________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ખરો ને’, એવું આપણે એક્સેપ્ટ કરી દેવું. એમ કરતા કરતા એમનું મન ભરાશે. આપણી દાનત ચોખ્ખી હશે તો સામાને ચોખ્ખું કરી શકીશું. મારી દાનત સ્વચ્છ હતી એટલે સ્વચ્છ કરી શક્યો.
૩૦૨
પ્રશ્નકર્તા : બરાબર છે પણ દાદા, તમે જ્યારે હીરાબાને કહો છો કે ‘મને તમારા વગર ગમતું નથી', તો બા તો ખરેખર સાચું માને, એમને તો સાચું જ લાગે છે.
દાદાશ્રી : સાચું જ માને. હું ખરેખર અત્યારેય, અહીંયે ભાવ રાખ્યા કરું, યાદ કર્યા કરું. એમને દ૨૨ોજ યાદ કરવાના.
ક્ષણવાર દુઃખ ના પડે એની જાળવણી
હીરાબા અત્યારે મને પૂછે, ‘આ ફેરે તમે મુંબઈ વધારે રહ્યા', ત્યારે હું કહું કે ‘મને પણ તમારા વગર ગમતું નથી પણ શું કરું ?' એટલે એમને એવું લાગે કે ‘ઓહોહો ! આટલે વર્ષેય મને યાદ કરે છે.' ના લાગે બળ્યું ? મિત્રાચારી છે ને ! અને સ્વપ્નેય અવળો વિચાર નહીં આવેલો.
પ્રશ્નકર્તા : માટે દાદા, એ પ્રેમ.
દાદાશ્રી : કેમ કરીને એમને કિંચિત્માત્ર દુઃખ ના પડે એની નિરંતર જાળવણી, ભાવના એવી. એ અમને કહી જાય, એમની ભૂલચૂક થઈ જતી હોય તેનો અમને વાંધો નથી. એમની ભૂલચૂક થઈ જાય. એ એમનો પોતાનો ઈરાદો હોતો નથી, એ એમની કચાશ છે. તેનો વાંધો નથી, કચાશનો વાંધો નથી.
પ્રશ્નકર્તા : આ તો આખો દહાડો કચકચ કરતા હોય એટલે પછી શું થાય, દાદા ? આપ આવી રીતે જાળવણી કરો છો, એટલે ક્યાંય દુઃખ ના થાય.
દાદાશ્રી : હા, એક ક્ષણવાર દુઃખ ના થાય એવી જાળવણી. આપણે તો વ્યવહારિક રીતે રહેવાનું છે. કેવું ?