________________
[૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ
૧૯૧
જેને મતભેદ નથી કરવો, તેને મતભેદ કેમ ટાળી શકાય એનું જ્ઞાન એની મેળે કુદરતી રીતે ઉત્પન્ન થાય. એટલે આ બધા નિયમો હોય છે. અને જેને ટાળવો નથી, તે એને “થાય જ કહે છે. કેમ ના થાય ? કહે છે. “એ આવું કેમ બોલે ?” એટલે પછી અંધે અંધારું ચાલ્યા કરે. જેને મતભેદ ટાળવો છે, એ ટાળી શકે છે. અમારે ત્રીસેક વર્ષ પછી હીરાબા જોડે મતભેદ નથી પડ્યો. તે પહેલા પડેલો, તે એના અનુભવથી શોધખોળ કરેલી, કે આ મતભેદમાં નર્યું દુઃખ જ છે. છતાં એક દહાડો પડી જતો હતો, તે મેં સાચવી લીધો’તો. મતભેદ પડવા નહીં દીધેલો. કોઈ દહાડોય હું પડવા દઉ નહીં ને, અને એમનીય ઈચ્છા નહીં મતભેદ પાડવાની. પણ પ્રકૃતિ બંધાઈ ગયેલી હોય ને !
દુઃખ ન થાય માટે આખા ફરી જ ગયા પ્રશ્નકર્તા: આ મતભેદ પડવાની ઉંમરનો પિરિયડ (સમયગાળો) કયો હોય, દાદા ? આ મતભેદ કઈ ઉંમરમાં વધારે પડે ?
દાદાશ્રી : પૈડપણમાં વધારે પડે. ‘તારું ઠેકાણું નથી, તું આમ નહીં.' ડોસા-ડોસી બહુ લઢે, મૂઆ.
મતભેદ તો કપટ કરીનેય ટાળવો જોઈએ. કારણ કે મતભેદ ટાળવાથી સુખ ઉત્પન્ન થાય ને ! ત્યાં સત્નું પૂછડું પકડી ના રખાય. તેમ હું ફરી ગયો ! મેં કહ્યું, “મારું એવું કહેવાનું નથી. આ ચાંદીનું વાસણ આપો ને બીજા પાંચસો એક રૂપિયા રોકડા આપો ને !” ત્યારે કહે, “એટલા બધા અપાતા હશે ?” મેં કહ્યું, “આ આપણો મતભેદ ઊડી ગયો હવે.” મને કહે છે, “તમારું તો મન જ આવું ને આવું રહ્યું. બધું આપ-આપ કરો છો, એટલા બધા અપાતા હશે ?” ત્યારે મેં કહ્યું, ‘તમને ઠીક લાગે એટલા આપજો.” જો આપણો મતભેદ ઊડી ગયો ને ! મતભેદ નહોતો પાડવો. જુઓ, જીતી ગયો ને ! નીકળી ગયો ને બહાર !
એટલે જ્ઞાની પુરુષે જૂઠું ના બોલવું જોઈએ તોયે ફરી ગયો તે દહાડે, આ મતભેદ ના પડે એટલા માટે. અમારા બેનો વાંધો પડી જાય ને એમને દુઃખ કેટલું બધું થાય ! એટલે પછી હું ફરી ગયો. મેં કહ્યું,