________________
૧૮૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : આગ્રહ નહીં. એમને આગ્રહ નહીં ને આપણેય આગ્રહ નહીં. પણ એમનું મન આથી કાબૂમાં રહેશે ને મારું મનેય કાબૂમાં રહેશે. ખરું કે ખોટું ?
પ્રશ્નકર્તા : હા, સાચું.
દાદાશ્રી : રીત, પદ્ધતિ તો શીખવી જોઈએ ને કંઈ ? નહીં તો તમને બેફામ બનાવી દેશે આ. એટલે પછી વ્યવહારિક રાખેલું અમે. એ રોજ પૂછે કે હું શું શાક લાવું ?” ત્યારે હું કહું, ‘તમને ઠીક લાગે તે.” પેલું તો બેફામ કરી નાખે માણસને. પછી ઉદ્ધતાઈ થઈ જાય, ઈજારાશાહી થાય પછી. આમાં તો ઈજારાશાહી ના આવે, ઉદ્ધતાઈ ના આવે, કશું આવે નહીં.
આમાં રહે બેઉની આબરૂ આ તો મને જ્ઞાન નહોતું ત્યારે કંઈક તો જોઈએ કે નહીં ? સમજણ તો જોઈએ કે ના જોઈએ ? સમજણ ના હોય તેને જગત કહી જાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો આપ એવું વિચારો છો, પણ સામે પક્ષે તો જુદું વિચારે ને ?
દાદાશ્રી : ના, ના વિચારે. એ તરત સમજી જાય કે ઓહોહો ! સત્તા તો આપણને જ આપે છે કે તમે લઈ આવો, તમે જે લાવશો તે અમે ખાઈશું.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ રીતે બધા લે નહીં ને ! મોટા ભાગના લોકો એવી રીતે ના લે.
દાદાશ્રી : કેમ ?
પ્રશ્નકર્તા : એને એમ લાગે કે આ બોસિંગ (ઉપરીપણું) કરે છે. બીજું દાદા, આઠ દિવસ સુધી એ પૂછીને લાવ્યા, પછી હવે માની લીધું કે આ નહીં પૂછીએ તો ચાલશે.
દાદાશ્રી : નહીં, પૂછયા વગર જ લાવે એ, પછી.