________________
[૮] સુંદર વ્યવહાર - “શું શાક લાવું?”
૧૮૩
પ્રશ્નકર્તા : બીજા લોકોને માન અને સંપ દેખાય.
દાદાશ્રી : હં, સામસામી પ્રેમ સચવાય બધો. એમના મનમાંય એમ થાય, ઓહોહોહો ! મારી પર છોડી દે છે, મારી પર કેટલો બધો વિશ્વાસ છે ! અને મારા મનમાં એમ થાય કે હું ધણી છું, એ હજુ એક્સેપ્ટ કરે છે. આ પદ્ધતિસર હોવું જોઈએ. પદ્ધતિસર ના હોવું જોઈએ ?
પ્રશ્નકર્તા : બરાબર, બરાબર, બિલકુલ બરાબર.
દાદાશ્રી : એ વિફર્યા નથી એવું આ લોકોને ખબર પડે અને હુંય વિફર્યો નથી એવુંય લોકોને ખબર પડે.
પ્રશ્નકર્તા : એ ફર્યા નથી. એક માણસ ફરે નહીં ને બીજો વિફરે નહીં.
દાદાશ્રી : ના, હુંય વિફર્યો નથી. હું વિફરું તો તો.. આ અથાણું લાવજે, પેલું લાવજે, ત્યારે વિફરેલો જ કહેવાય ને, મૂઓ ! શું જોઈને
ઑર્ડર કરે છે, મૂઆ. શાદી કર્યા પછી ઑર્ડર હોતા હશે ? એ અમને પૂછે કે “શું શાક લાવું ?” ત્યારે મેં કહ્યું, ‘તમને ઠીક લાગે છે. આ વ્યવહાર અમારો ચાલુ ને લોકો દેખે કે ભાઈ, આ વ્યવહાર ઉત્તમ છે આમનો ! વ્યવહાર આમનો ન્યાયમાં છે.
આમાં બેસનારનેય શોભા લાગે કે કહેવું પડે, આ ઘરનો રિવાજ ! એટલે આપણો વ્યવહાર બહાર સારો દેખાવો જોઈએ. એકપક્ષી ના થવું જોઈએ. મહાવીર ભગવાન કેવા પાકા હતા ! વ્યવહાર અને નિશ્ચય બન્નેય જુદા, એકપક્ષી નહીં. લોકો ના જુએ વ્યવહારને ? લોકો જુએય ખરા ને રોજેય. “રોજ એ બાબત તમને પૂછે ?” મેં કહ્યું, “હા, રોજ પૂછે.” “તો થાકી ના જાય ?' કહે છે. મેં કહ્યું, “અલ્યા, શાના થાકવાના બા ? કંઈ મેડા ચઢવાના કે ડુંગર ઉપર ચઢવાના હતા તે ?” આપણા બેનો વ્યવહાર લોકો દેખે એવું કરો.
પૂછીને કરવું એ વિજયી વ્યવહાર આપણો લોકોને એમ લાગે કે હા, કેવો સરસ વ્યવહાર છે !