________________
૧૮૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા: એ કેમનો ?
દાદાશ્રી : એ તો એક ફેરો મારે મતભેદ પડી ગયો'તો, તે અમે પાછું એનું તરત વેલ્ડિંગ (સંધાણ) કરી નાખ્યું. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી.
પ્રશ્નકર્તા : એ તો એમની ભૂલ થઈ ગઈ હશે પણ તમે કહો છો તમારી થઈ ગઈ હતી.
દાદાશ્રી : ના, પણ એમની ભૂલ થઈ નહોતી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો, એમને તો પડે તોય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નહીં. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને ! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને ?
પ્રશ્નકર્તા : તમને. દાદાશ્રી તો મારે સમજવું જોઈએ ને ! ખુરશી સમજે કાંઈ ?
બોલ્યા એટલે ફસાયા પ્રશ્નકર્તા : દાદા, એ પ્રસંગ શું બન્યો હતો ?
દાદાશ્રી : એ તો એક દહાડો મને એ જરા પૂછવા લાગ્યા કે “મારા ભાઈની મોટી છોકરી પૈણવાની છે, તો એમને શું આપીશું આપણે ?” એમના ભાઈની ચાર દીકરીઓ હતી, તે પહેલી દીકરીનું લગ્ન થવાનું હતું. તે મને પૂછવા માંડ્યા કે “આ દીકરીને શું આપું ? ત્યારે મેં કહ્યું કે “અંદર ચાંદીનું જે તૈયાર હોય, તે આપજો ને !” એટલે એ જે મેં જવાબ આપ્યો, તે અમારે મતભેદ પડી ગયો તરત. આ હું બોલ્યો એટલે હું ફસાઈ ગયો.
હવે મેં એમને કહેલું, “મને કશું પૂછવું નહીં, તમને સહી જ કરી આપી છે કોરા કાગળે. છતાંય મારે કંઈક આવું પાપ ભાગ્યમાં હશે આડું થવાનું, તે મને પૂછયું એમણે. તે આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું “ના” કહું નહીં. મને પૂછયું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય ?