________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
જતી વખતે પૂછે ત્યારે હું કહું કે ‘તમને ઠીક લાગે એ લાવજો.’ એટલે પછી રોજ આવું કહું એમને, એટલે પછી બે-પાંચ-સાત દહાડા પછી પૂછયા વગર જ લાવવા માંડ્યા. કારણ રોજ જ કહે છે, ‘ઠીક લાગે એ લાવજો' એટલે એમને એમ કે હવે નહીં પૂછીએ તો ચાલશે. એટલે પછી પાંચ-સાત દહાડા સુધી ના પૂછયું ને એટલે મેં જાણ્યું કે અવળે રસ્તે ગાડું ચાલ્યું છે. માટે ગાડાને મેઈન લાઈન (મુખ્ય રસ્તા) ઉપર લઈ લો. ડિરેલમેન્ટ થયેલું (પાટા ઉપરથી ઉતરી ગયેલું) છે તે એને મેઈન લાઈન ઉપર પાછું લઈ લો. એટલે ખાતી વખતે મેં એમને કહ્યું, ‘આ કારેલાનું શાક કેમ લાવ્યા છો ?' ત્યારે કહે, ‘હું તમને પૂછું છું ત્યારે તમે કહો છો કે તમને ફાવે એ લાવજો અને હવે હું લાવી ત્યારે તમે કહો છો કે કારેલાનું શાક કેમ લાવ્યા આવું ?” ત્યારે મેં કહ્યું, ‘તમારે અમને પૂછવું દરરોજ કે હું શું લાવું ? ત્યારે અમારે તમને કહેવું કે તમને ઠીક લાગે એ લાવો. પણ પૂછવું ખરું અમને, નહીં તો આ વ્યવહાર દુનિયામાં લોકો શું સમજે ? એ વ્યવહાર આપણો લોક દેખે એવો રાખો. તે આપણા બન્નેની આબરૂ રહે. આમાં તો આબરૂ જતી રહે એક જણની.’
૧૭૮
ડિકંટ્રોલ ના થાય એ માટે
પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો ખોટું છે, અહમ્ને પોષવાની વાત થઈ ને એ તો ? તમને પૂછે એ, એ તમારો અહમ્ પોષવાની વાત થઈને એમાં ?
દાદાશ્રી : ના, અહમ્ પોષવાની નહીં, એમનો અહમ્ બગડે નહીં એના માટે છે આ ઉપાય.
પ્રશ્નકર્તા : પણ આપનું આધિપત્ય તો રાખો છો ને ?
દાદાશ્રી : આધિપત્યનો સવાલ નથી, એમનો અહમ્ ના બગડે એના માટેનો આ ઉપાય છે. ઠોકર ના ખઈ જવી જોઈએ. હાંકવામાં ઠોકર ખઈ જાય, જો લગામ ઢીલી મૂકી દઈએ તો. એ પોતે ઠોકર ખાય ને હુંય ઠોકર ખઉ, બન્ને. એટલે આમ એ પૂછે કે ‘હું શું લાવું ?”