________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
હું તો પાંચ વર્ષનો હતો ને, તોય લોકોને ગમે મને બોલાવવાનું, રમાડવાનું, બધું ગમે એવું. પ્રકૃતિ એવી, નાનપણથી બોલાવે બધા. ‘આવો, આવો.’ એટલે માન ખાતો હું તે દહાડે. લોકોની માન્યતા હતી કે ત્યારે રૂપ વધારે હતું ! રૂપાળું હતું શરીર.
પ્રશ્નકર્તા ઃ તો અત્યારેય રૂપાળા જ છો ને, દાદા !
૪
દાદાશ્રી : ના, ના, કંઈથી રૂપાળો, ઓગણ્યાએંસી વર્ષ થયા ને, તું રૂપાળો કહું છું ?
પ્રશ્નકર્તા : ના, પણ બીજા તમે એંસી વર્ષના ભાઈઓ સાથે બેસાડો, તો તમારું રૂપ વધી જાય, દાદા. એંસી શું પચાસ વર્ષના જોડે બેસાડો તોય તમે રૂપાળા લાગો.
દાદાશ્રી : એ તો ફરક પડે.
ફેર, જ્ઞાત પહેલા અને પછીના તેજમાં
પ્રશ્નકર્તા : આપનો ચહેરો એટ્રેક્ટિવ (આકર્ષક) છે, દાદા. આમ બધાને ગમી જાય, તરત.
દાદાશ્રી : નાનો હતો ત્યારે બધાને બહુ ગમતો હતો.
પ્રશ્નકર્તા : અત્યારેય બહુ ગમે ને !
દાદાશ્રી : એ વાત જુદી છે. પણ નાનો હોય ને, તે દહાડે તો વાત જ જુદી ! અત્યારે તો ડિઝાઈન (રૂપરેખા) રહી ફક્ત, મૂળ જે ભરાવો-બરાવો બધો જતો રહ્યો ને ! મોઢું જે ભરાયેલું હોય ને, એ બધુંય જતું રહ્યું.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ જ્ઞાનીનું તેજ !
દાદાશ્રી : હા, આ તેજ તો જુદું. તે દહાડે જ્ઞાનીનું તેજ નહીં. પણ અંદરખાને માલ ખરો બધો સારો.
પ્રશ્નકર્તા : આજે પણ જબરજસ્ત આપની પર્સનાલિટી છે !