________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
અસલ છે. કેવું છે ? રિલેટિવ. રિલેટિવ એટલે આ સ્ત્રી ચિઢાઈ હોય ને, તો આપણે જાણીએ કે આ સ્ત્રી છે તે રાત્રે ફાડ ફાડ કરશે સંબંધ, ત્યારે એક બાજુ આપણે સાંધ સાંધ કરવું. નહીં તો સવારે બે છેડા ફાડી નાખે. એ ફાડે ને આપણે ફાડીએ તો સવારમાં રહે શું ? ડાયવોર્સ (છૂટાછેડા) થઈ જાય. એટલે આપણે સાંધ સાંધ કરવાનું. આ રિલેટિવ સંબંધ છે એટલે આપણે કામ છે. કામ ના હોય તો તો ફાડી નાખીએ, પણ તે અત્યારે તો બધું કામ છે હજુ આપણે. સવારે કોણ ખાવાનું કરી આપે બળ્યું ? મુશ્કેલીમાં મૂકાઈએ. સવારે ચા વગર રખડી મરીએ, ઊલટા બાવા જેવા થઈ જઈએ ! આ તો અરસપરસ છે ને બધું જગત ! આમાં ચાલે એવું નથી કોઈનુંય.
૧૫૬
દેવ થવાતું આપણા જ હાથમાં
તમને કેમ લાગે છે વાત ? એવું કંઈ હોવું જોઈએ ને ? ઘરમાં મતભેદ ના હોય. શેને માટે મતભેદ છે ? કઢી ખારી થઈ તે આપણે ના કહીએ, પછી એ પોતે ખાય તો એમને ખબર ના પડે ? પછી તમારા માટે શું નોંધ કરે એ ? કે ‘દેવ જેવા છે ને, કશું બોલતા નથી', કહેશે. અને પેલું તમે કઢી ખારી કહો, ત્યારે મનમાં શું કહે ? ‘એમની ભૂલ થતી નહીં હોય ?’ પછી કો’ક દહાડો થાય, તો ‘મૂઓ છે જ આવો’ કહે.
મને તો દેવ જેવા કહેતા હતા હીરાબા, આ ધણી દેવ જેવા છે. ત્યારે દેવ થવાનું આપણા હાથમાં છે ને ? તમને કેવું લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : બાકી સ્ત્રીને વારે ઘડીએ આડછેડ આડછેડ ના કરાય. ‘શાક ટાઢું કેમ થઈ ગયું ? દાળમાં વઘાર બરોબર નથી કર્યો' એમ કચકચ શું કરવા કરે છે ? બાર મહિનામાં એકાદ દહાડો એકાદ શબ્દ બોલ્યા હોય તો ઠીક છે, આ તો રોજ ? ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં.’ આપણે ભા૨માં રહેવું જોઈએ. દાળ સારી ના થઈ હોય, શાક ટાઢું થઈ ગયું હોય તો તે કાયદાને આધીન થાય છે. અને બહુ થાય ત્યારે ધીમે રહીને વાત કરવી હોય તો કરીએ કોઈ વખત કે ‘આ શાક રોજ ગરમ