________________
[૭] પતિ-પત્ની બેઉના ડિવિઝન જુદા
૧૭૧
જ દીધેલા. હાઉસહોલ્ડમાં આપણે હાથ નહીં ઘાલવાનો. એમના હાથે કંઈક સોનું ખોવાઈ ગયું હોય તોય આપણે બોલવાનું નહીં, એ એમનું ડિપાર્ટમેન્ટ.
પ્રશ્નકર્તા : દાદા, પહેલાના જમાનામાં આપ કહો છો તેવું વર્તનમાં હતું?
દાદાશ્રી : શું? પ્રશ્નકર્તા: રસોડું ને વ્યવહાર બધો સ્ત્રીઓ સંભાળે !
દાદાશ્રી : હં, એવું પદ્ધતસર હોય. આપણા લોકો તો કેવા છે ? બહુ દોઢડાહ્યા ! કઢીમાં આ છે તે રઈનો કેમ વઘાર કર્યો ?” અલ્યા મૂઆ, એની બાબતમાં તું શું કરવા પૂછ પૂછ કરું છું આ વગર કામનું તે ? એનું ડિપાર્ટમેન્ટ છે એ, એમાં હોલ એન્ડ સોલ (સત્તાધીશ) છે એ.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો બહારથી એવું કંઈક શીખી લાવ્યો હોય કે આવું ખાવાનું. એ પછી ઘરમાં બતાડે ને કચકચ કરે.
દાદાશ્રી : બહારથી શિખવાડે ?
પ્રશ્નકર્તા: કંઈક ખાધું હોય કે કોઈકે કહ્યું હોય કે આવો વઘાર કરાય, આવું કરાય. એટલે પછી ઘેર આવીને કહે કે આવો કેમ ના કર્યો?
દાદાશ્રી : એ તો આપણે એમને દેખાડવું જોઈએ, પ્રેક્ટિસ અપાવવી જોઈએ. અમે આવી-તેવી બાબતમાં હાથ નહોતા ઘાલતા. અમે તો અમારી આબરૂ કેમ રહે એટલું જ જોતા હતા. ખાવાનું ઓછું મળશે તો વાંધો નહીં. કૉન્સ્ટિટ્યૂશનની બહાર ના જવાય એવું જીવન જીવવું જોઈએ. તે જીવ્યા ખરા ઠેઠ સુધી ! પિસ્તાળીસ-પિસ્તાળીસ વર્ષ સુધી તો મતભેદ નથી પડ્યો.
પૈસાની બાબતમાં નહીં પૂછવાની શરત. અને બીજું એક શરત કરેલી, એ પૂછે કે “આ સાલ શું કમાયા ?” મેં કહ્યું, “આવું ના પૂછાય તમારાથી. આ તો અમારી પર્સનલ મેટર