________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
(અંગત બાબત) થઈ. તમે આવું પૂછો છો ?” તે કાલે સવારમાં કોઈને પાંચસો રૂપિયા આપી આવું તો તમે મારું તેલ કાઢી નાખો. હું કોઈકને આપી આવું તો ‘આવું લોકોને આપો છો અને પૈસા જતા રહે છે' એવું તમે તેલ કાઢી નાખો. એટલે અમારી પર્સનલ મેટ૨માં તમારે હાથ નહીં ઘાલવાનો. મારા ધંધામાં તમારે પૂછવું નહીં કે મેં શું કર્યું ને શું નહીં ! હું એમનામાં હાથ ઘાલું ત્યારે એ મને પૂછે કે તમે પેલા ભઈને રૂપિયા ધીર્યા છે ? અને એ પૂછે એટલે મારું મગજ જતું રહે. કારણ કે હું તો સ્વતંત્ર વિચારનો માણસ. એના કરતા એમનું ડિવિઝન જ જુદું ને, એમને જે કરવું હોય એ, તેમને ઠીક લાગે એ. હું તો બહુ સ્વતંત્રતાવાળો માણસ, મારે એક મિનિટ પરતંત્રતા પોષાય નહીં. એથી જ ભગવાન ખોળ્યા મેં.
૧૭૨
એટલે પછી મને કોઈ દહાડોય એ પૂછવા ના આવે કે ‘તમે આને પાંચસો રૂપિયા કેમ આપ્યા ? કેમ આવું કરો છો ? શું ચાલે છે ?' એવું તેવું કશું પૂછે નહીં. જો સ્ત્રીને એમ કહીએ કે ‘હમણે નથી ચાલતું' તો એ હઉ ઢીલી થઈ જાય. એટલે આ લાઈનમાં પેસવા ના દેવી. સહુ સહુની લાઈન સારી છે.
મતભેદ ટાળવા કપટ
એટલે જેમ ડિવિઝન ઑફ લેબર્સ, એવું એમનું ખાતું હોમ ડિપાર્ટમેન્ટ, અમારું ખાતું ફોરેન ડિપાર્ટમેન્ટ. બેઉ જુદા જ રાખવાના. પછી આપણે કોઈને બસ્સો આપીએ તો એમનાથી બોલાય નહીં. હવે એ એમાં પાર્ટનર ખરા ને ! એટલે પાછા ‘મને કેમ પૂછયું નહીં ? એમ ને એમ આપી દીધા ?' એવી બૂમો પાડે. એટલે આપણે બહાર ખાનગીમાં આપી દેવું. એટલું કપટ રાખવું. મતભેદ ના થાય બળ્યો ! આંખે દીઠાનું ઝેર છે ને ! અને આપવા તો પડે જ છે ને !
કેટલાક દોઢડાહ્યા થઈને બૈરીને કહી દે કે આજે પાંચસો રૂપિયા કપાયા, તે બૈરી ઉપરથી કહે કે તમારામાં વેતા જ નથી. અને કો'ક દહાડો એનાથી કાચનું તૂટ્યું હોય તો આપણે કશું કહીએ નહીં તે પહેલા