________________
૧૬૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : પહેલા હું શું કરું ? હું કમાઉ ને મેં કોઈને પૈસા આપ્યા હોય તો એ કહે, ‘તમે આ પૈસા આવું લોકોને આપો, એ સારું ના કહેવાય.” એટલે તે ઘડીએ મારું મગજ ચડી જાય. પછી મેં વિચાર કર્યો કે હું એમનામાં હાથ ઘાલતો હોઈશ, તો એમનેય ચડી જતું હોય ને ? તે પછી મેં કહ્યું, ‘આ તમારામાં મારે હાથ ના ઘાલવો અને તમારે મારામાં હાથ ના ઘાલવો.” એટલું કબૂલ કરેલું. પછી એ હજાર રૂપિયા ખોઈ નાખે તોય હું બોલું નહીં. એમનો દોષ મારે કાઢવાનો નહીં, એમને મારો દોષ નહીં કાઢવાનો. એ રસ્તો સારો કાઢ્યો ને ?
પ્રશ્નકર્તા: સરસ. દાદાશ્રી : ડિપાર્ટમેન્ટ સહુસહુનું જુદું.
કેમ જીવન જીવવું તેનું બંધારણ જ બાંધેલું મેં નાનપણથી જ પાવર વહેંચી લીધા હતા કે આ રસોડું તમારું અને આ બિઝનેસ મારો. હું બહારથી કમાઈ લાવું અને તમારે રસોડાની સાચવણી કરવી, આપણે ભેળા થઈને ઘર ચલાવવાનું. એટલે રસોડામાં તમારા હાથે એક મણ ઘી ઢોળાઈ જાય તો મારે બોલવાનું નહીં. પાંચ હજાર રૂપિયાનું નુકસાન થઈ જાય તોય મારે બોલવાનું નહીં. તમે ઘી આખો ડબો ઢોળી દો તોય અમે રાજીખુશી છીએ. તમે બધા પ્યાલા ફોડી નાખો તોય રાજીખુશી છીએ. તમે ભડકો કરી ને આખું ઘર બળે તોય અમે રાજી છીએ. તમે દૂધ આખું તપેલું ઢોળી દો તોય અમને વાંધો નથી. કઢી ખારી થાય તોય અમને વાંધો નથી. તમે ગમે તેવા ચોખા રાંધતા હોય, પણ અમને વાંધો નથી આવવાનો. અમે રસોડામાં હાથ ઘાલીએ નહીં ને તમારા ડિપાર્ટમેન્ટમાં અમારે અક્ષરેય બોલવાનો નહીં.
અને તમારે મારા ધંધામાં હું ગમે તેને રૂપિયા આપી દઉ તોય તમારે કશું બોલવાનું નહીં. એ વેપાર અમારો સરસ ચાલ્યો. ડિવિઝન બધું જુદું કરી નાખ્યું ને ! આ તો નો ડિવિઝન, કટું ખારું કેમ કર્યું ? બૈરીને શું લાગે કે પાંસરો રહેતો જ નથી આ. અમારું જુદું ને તમારું જુદું, ડિપાર્ટમેન્ટ જુદા. આવી વહેંચણી કરેલી. કેમ જીવન જીવવું તેનું