________________
[૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી...
૧૫૭
હોય છે, ત્યારે બહુ સરસ લાગે છે.” આવી વાત કરીએ તો એ ટકોર સમજી જાય. એટલે સહુસહુના ધ્યાનમાં રાખે.
ભાભો ભારમાં તો વહુ લાજમાં પણ ભાભા જ અમારે ત્યાં શું કરતા હતા ? આમ છે તે પહેલા અમારે ત્યાં રિવાજ હતો, મોટા માણસોની નાની ઉંમરની સ્ત્રીઓ છે તે લાજ કાઢે. એટલે મોટું ના દેખાડે, આમ ફરીને જાય. અને પેલા લોકોય કપડું ધરી દે, વચ્ચે જતા હોય ત્યારે. પણ પાછા આ ભાભા શું કરે ? આમ કપડું ખસેડીને કોની વહુ ગઈ હતી તે જુએ. એટલે આપણા લોકોએ કહેવત પાડેલી કે “ભાભો ભારમાં તો વહુ લાજમાં', નહીં તો વહુ લાજમાં નહીં રહે. વહુ તો શું કહે ? “સાઠે બુદ્ધિ બગડી આ ડોસાની.” એટલે વાત સમજે તો ઉકેલ આવે, નહીં તો આ બધો મેળ પડે નહીં.
કકળાટ ન થાય એ માટે ક્ષણે ક્ષણે જાગૃતિ
એટલે અમે હીરાબાને કશી વાતે બોલેલા નહીં, કોઈ જાતનું કશું અક્ષરેય બોલેલા નહીં. એમની આબરૂ નહીં બગાડવાની કોઈ દા'ડોય, એ મારી ના બગાડે. એટલે બધા આવી રીતે એડજસ્ટમેન્ટ લીધેલા, પહેલેથી. બને એટલો કકળાટ ન થાય. બીજું તો સારી રીતે જીવન ગયેલું. પચાસ વર્ષથી કોઈ દહાડો અને બોલ્યા નથી, કે આ ખારું થઈ ગયું છે. એ તો જે હોય એ ખઈ લેવાનું, ગમે ત્યાં હોય તોય.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ જે તમે કર્યું, એ કેટલી જાગૃતિ કે જાતે જ પાણી નાખ્યું અને એમને કહ્યું નહીં કે આમાં મીઠું વધારે પડ્યું છે, નહીં તો એમને દુઃખ થાય. માટે પાણી રેડ્યું.
દાદાશ્રી : હા, ઘણી ફેરો તો ખીચડી કાચી હોય ને, તોય અમે બોલ્યા નથી. ત્યારે લોક કહે છે કે “આવું કરશો ને, તો ઘરમાં બધું બગડી જશે.” મેં કહ્યું કે “તમે કાલે જોજો ને !” તે પછી બીજે દહાડે બરોબર આવે.
પ્રશ્નકર્તા : પણ કેટલી જાગૃતિ રાખવી પડે, ક્ષણે ક્ષણે !
દાદાશ્રી : ક્ષણે ક્ષણે, ચોવીસેય કલાક જાગૃતિ, ત્યાર પછી આ જ્ઞાન શરૂ થયું હતું. આ જ્ઞાન એમ ને એમ થયું નથી.