________________
८४
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
જાતનેય કર્તા માનું સંપૂર્ણ. મને તો એમની ભૂલ જ દેખાય. એ તો પછી આ જ્ઞાનના આધારે સમજાયું. આ તો હારું પોલું છે. એ પછી હીરાબાને ત્રાસ નહીં આપેલો.
હજુ પણ સુધારી લો એટલે અમારે વર્ષોથી હીરાબા જોડે મતભેદ નહીં. અમને છોંતેર થયા, તે પચ્ચીસ-ત્રીસ વર્ષ સુધી જરા ભૂલચૂક થઈ હશે, પણ ત્યાર પછી અમારે બેને મતભેદ નહીં કે કશુંય નહીં. હજુય જીવે છે નિરાંતે, છતાંય પણ મતભેદ નહીં. એમને એમ ના લાગે કે મને આ દુઃખ દીધું છે, એક મિનિટેય. અમનેય એમ ના લાગે કે એમણે દુઃખ દીધું છે.
પ્રશ્નકર્તા અત્યારે તો લોકોમાં ઠેઠ મનભેદ સુધી પહોંચી ગયું છે.
દાદાશ્રી : તે જ કહું છું ને, એ બધું સારું નહીં. બહાર શોભે નહીં. એનો અર્થ નહીં કંઈ. હજુ સુધારી શકાય છે. આપણે મનુષ્યમાં છીએ ને, તે સુધારી શકાય. મેં ત્રીસ-બત્રીસ વર્ષય સુધાર્યું ને ! મારું ગાંડપણ હતું, તે ત્રીસ-બત્રીસ વર્ષે મેંય સુધાર્યું ને ! મેં કહ્યું, “આ શા માટે આવું હોવું જોઈએ ?” જેની જોડે જ્યાં એક જ મકાનમાં રહેવાનું, એક રૂમમાં સૂઈ જવાનું, ત્યાં આગળ ઝઘડા ? બહારથી ઝઘડા કરીને આવવા અને ઘેર રોફ મારો બેઉ જણ, ચા પીને.
આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે, બે વાસણો જોડે હોય તો ખખડે ! મેર ચક્કર, આપણે કંઈ વાસણ છીએ કે આપણને ખખડાટ જોઈએ ? આ દાદાને કોઈએ કોઈ દહાડો ખખડાટમાં જોયા ના હોય ! એકુંય મતભેદ પડેલો નહીં. અને તમારે તો એવા શું વેચાણ છે, તે એના માટે બાઝો છો પાછા, મૂઆ. મેર ચક્કર, મરવાનો ના હોય તો ફરી બાઝ ! અને મરવાનો તો છું જ. ત્યારે નિરાંતે ભોગવી લે ને ! સંસાર તો સારી રીતે ભોગવ, બળ્યો. આવતો ભવ તો સુધાર ! જો મરવાનું છે તો આવતો ભવ સુધાર. અહીં આગળ પાર્લામેન્ટમાં બસ્સો વરસનું એક્સટેન્શન મંજૂર કરાવી લીધું?
પ્રશ્નકર્તા : બસ્સો વર્ષ જીવવા માટે ? કેવી રીતે જીવાય ?