________________
[૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી
૧૩૭
ત્યાં ખપે અંતરતપ પ્રશ્નકર્તા : એ જ અંતરતપને ?
દાદાશ્રી : ત્યારે અંતરતપ એ જ ને, બીજું કયું? મોક્ષે જવું હોય તેને અંતરનું તપ કરવું પડે. મીઠું વધારે પડ્યું એટલે આપણે અંતરતા કરી એને ખઈ લેવાનું. પછી પેલા ખાય ને, ત્યારે પૂછે કે “તમને મીઠું વધારે પડ્યું હતું તે ખબર ના પડી ?” ત્યારે કહીએ, “ખબર પડી હતી, પણ તમને ખબર પડે એટલા માટે જ અમે આ ના કહ્યું. તમને ખબર પડશે, તે વળી મારે કહેવાની જરૂર શું છે ? હું કંઈ નોટિસ બોર્ડ (સૂચન પાટિયું) છું ?' કહીએ. - દાળમાં મીઠું વધારે છે તે નોટિસ બોર્ડ ઉપર આવી ગયું, પછી ઘડીવાર શાંતિ ના રહે. આ કાળનો હિસાબ તો જુઓ ! આ કેવો કાળ, ધમધમતો કાળ છે, સળગતો કાળ છે ! અને એમાં પાછા, “આ મીઠું કેમ વધારે નાખ્યું છે ? ઓહોહો ! આ મીઠા ના ખાવાવાળા ! સતયુગમાં ખાવું હતું ને નિરાંતે, અત્યારે શું કરવા ખાવા આવ્યો છું, મૂઆ ? અત્યારે ખઈ લે ને પાંસરો, નહીં તો હમણે થાળી બહાર મૂકી આવીશ. મીઠું વધારે કેમ નાખ્યું, એનું ઑડિટ કાઢે (તપાસણી કરે) પાછું ! અત્યારે તો જેમ-તેમ કરીને ખઈ લે, પતાવી દેવાનું કામ. રાત બગડે નહીં એટલો હિસાબ ચોખ્ખો કરવો, નહીં તો વધારે ભાંજગડ થાય તો રાત બગડી જાય. તે બેન આમના ફરીને સુઈ જાય, આપણે આમ ફરીને સૂઈ જઈએ. તે આપણને ઉત્તર દેખાય ને એમને દખ્ખણ (દક્ષિણ) દેખાયા કરે. મેળ જ ના પડે આનો ! એટલે જેમ તેમ કરીને પાંસરું કરવું પડે.
કોના હાથમાં છે સત્તા ? ઊલટો હું કોઈ દહાડો બોલું નહીં અને સહજ રીતે ચાલવા દઉં. એ ભૂલ થાય કો'ક દહાડો પણ એ સહજ રીતે ભૂલ થયેલી હોય છે.
પ્રશ્નકર્તા : ના, પણ સારું ખાવાનું ના બનાવે તો એવું કહેવું તો પડે ને ?