________________
૧૪૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
આપણા નિમિત્તે કોઈને કષાય ના થાય એવું આપણું નિમિત્ત રહેવું જોઈએ. અને કોઈ માણસ કહે, “ભઈ, તો જગત સુધરે કેમ કરીને ?” એ તો જમી રહ્યા પછી ધીમે રહીને કહેવું કે “આજ દાળ છે ને, તેમાં સહેજ મીઠું વધારે પડતું હતું, તમને લાગ્યું ?” ત્યારે કહે, “હા, મનેય લાગ્યું છે.” “હવે કાલે સહેજ ફેરફાર કરજો, પણ મોળી ના થઈ જાય એટલું ધ્યાન રાખજો', કહીએ. એ પાછું ચેતવવું જોઈએ. પેલો કિનારો કહેવો પડે. પેલો કિનારો ના કહીએ તો પાછું એ કિનારાની આઉટ ઑફ બિહાર) જતું રહે.
ઘરમાં ના ભાવતું થાળીમાં આવ્યું ત્યાં “સમભાવે નિકાલ” કરજો. કોઈને છંછેડશો નહીં. જે થાળીમાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તોય અમે મહીંથી બે ચીજ ખાઈ લઈએ. ના ખાઈએ તો બે જણની જોડે ઝઘડો થાય. એક તો જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય અને બીજું ખાવાની ચીજ શું કહે છે કે “મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું.” હવે એને આપણે માન ના આપવું જોઈએ ? અમને તો ના ભાવતી વસ્તુ આપી જાય તોય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેની તમે ખોડ કાઢી, તો પહેલું આમાં સુખ ઘટે કે વધે ?
પ્રશ્નકર્તા ઃ ઘટે.
દાદાશ્રી : ઘટે એ વેપાર તો ના કરો ને? જેનાથી સુખ ઘટે એવો વેપાર ના જ કરાય ને ! મને તો ઘણા ફેર ન ભાવતું શાક હોય તે ખાઈ લઉ ને પાછો કહું કે “આજે શાક બહુ સરસ છે.”
પ્રશ્નકર્તા : એ દ્રોહ ના કહેવાય ? ના ભાવતું હોય ને આપણે કહીએ કે ભાવે છે, તો એ મનને ખોટું મનાવવાનું ના થયું ?