________________
[૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી...
૧૪૭
ચાલે. અમે તો કોઈ દહાડોય ફટાકડા ફોડ્યો જ નથી. દૂધ ના હોય તો અમે પાણીમાં રોટલી ચોળીને ખાઈ જઈએ. દૂધ ના હોય ત્યારે બોધકળા ઊભી થાય કે “આ દૂધમાં પચાસ ટકા પાણી તો છે જ, તે તેમાં રોટલી ચોળાય તો છે. તો પછી પાણીમાં રોટલી કેમ ના ચોળાય ?' તે પછી મજાનું ખવાય. ત્યારે ત્યાં મૂઆને આવી કળા આવડે જ નહીં. દૂધ ના દેખે તો વઢવઢા થઈ જાય.
જ્ઞાની પુરુષની બોધકળાઓ અનંત હોય. તે જો બધી સાંભળે ને, તો તો સાંભળતા જ કામ કાઢી નાખે. આવી બોધકળા સાંભળી હોય તો જ્યારે એવો સંયોગ આવે ત્યારે સાંભળેલી બોધકળા આવીને ઊભી રહે. છતાં સ્વાભાવિક બોધકળા ના હોય.
આ આપણો સંયમ ના ગુમાવવો જોઈએ. વેઢમી મોળી, દાળ ખારી ને શાક કાચું તોય બોલ્યા નહીં ને “સરસ છે” કહીને ખાઈ ગયા, તે બાઈમાંય સંયમ ઊભો થાય. અને સંયમ ના પાળ્યો તો એક તો વઢવાડ થઈ ને શાંતિથી જમવાનું ના મળ્યું ને ઉપરથી ગાંડો દેખાયો. બે માણસ વચ્ચે કચકચ ચાલે ને બાઈ પાછી વેર બાંધે. ‘તમે ભૂલ કરો ત્યારે વાત છે' તેમ મનમાં નક્કી કરી રાખે. આ તો સંયમધારીને તો નર્યું સુખ, સુખ ને સુખ જ ! આ દાદા પાસે તો નર્યો નફો જ છે.
સુખ તો સંયમમાં જ છે. પેલામાં તો બાઈને પણ રીસ ચઢે કે તમે પકડાઓ ત્યારે વાત છે, ત્યારે હું જોઈ લઈશ. આ તો છોકરાની સાત ખોડ કાઢે, તો પછી એ છોકરો પણ તમારી એક ખોડ કાઢે. માટે તમે એની ખોડ ના કાઢો, એટલે એ પણ તમારી ખોડ નહીં કાઢે. વ્યવહારમાં કેવું છે કે જો તમને તમારી ખોડ કાઢે એ ના ગમતું હોય તો તમે બીજાની ખોડ ના કાઢશો. એ દબાવી દેજો.
પ્રાપ્ત સંયોગનો સમભાવે નિકાલ આપણે શું અવલંબન લેવાનું? પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તનો વિચાર નહીં કરવાનો. પ્રાપ્ત જે આવ્યું, જેટલું ઠીક લાગે ને, એટલું ખાઈને ઊભું થઈ જવું. કોઈને કષાય ઉત્પન્ન ના થાય એવું વાતાવરણ રાખવું.