________________
[૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી...
૧૫૩
દાદાશ્રી : ના ભૂલે એ. પુરુષની ભૂલ કાઢવી, સ્ત્રીઓની ભૂલ ના કાઢવી. એ નોંધ રાખે કાયમ. એ નોંધબુકમાં નોંધ હોય. અને આપણે વાત કાઢીએ ત્રીસ વર્ષ પછી, કે “હજુય તમને આ યાદ છે ?” ત્યારે કહે, “મારે કાળજે લખેલું છે. અને આપણે તો ભોળા-ભલા આદમી ! પુરુષો ભોળા બિચારા !
પ્રશ્નકર્તા : પણ આ તમે બધા બૈરાં માટે, બધી સ્ત્રીઓ માટે કહો છો કે એક જ માટે કહો છો ?
દાદાશ્રી : નહીં, અપવાદ હોય એ જુદી વસ્તુ છે. પણ આ બીજી બધી સ્ત્રીઓ માટે કહું છું. અપવાદ હોય મહીં. બાકી બીજી સ્ત્રીઓનો સ્વભાવ અવશ્ય નોંધ કરે.
એક ભૂલ કાઢો ને એની એટલે હંમેશાં એ સ્ત્રી જાતિનો સ્વભાવ, આ બેનો બેઠી છે ને કહું છું કે એ નોંધમાં લે અને આ ભોળા કશું નોંધમાં ના લે, ભૂલી જાય બિચારા.
પ્રશ્નકર્તા: હા, હવે ખ્યાલ આવ્યો.
દાદાશ્રી : એ નોંધમાં લે. નોંધમાં લે કે તે દા'ડે મીઠું ઓછું પડ્યું'તું ને, તે દા'ડે છે તે રોફ મારી ગયા છે ને, પણ જ્યારે વખત આવશે ત્યારે કહીશ. પછી ચંપલ આપણા કો'ક લઈ જાય ને મંદિરમાંથી, તે પછી ઘેર જઈએ ને કહીએ, “આજ તો મારા ચંપલ જતા રહ્યા. ત્યારે કહે, “તમે તે દાડે મીઠાનું કહેતા હતા ને, પણ તમારામાં કંઈ બરકત છે ?” તે દા'ડાની વાત અત્યારે આપી ? એનું રિએક્શન (પ્રતિક્રિયા) હમણે આવ્યું ? આપણા રિઍક્શન તો તરત જ હોય, એમનું રિએશન તો વીસ વર્ષ પછી પણ આવે, એના એ જ શબ્દોમાં. મેં જોયેલું છે, અનુભવેલું છે. આપણે કોઈ શબ્દ આપ્યો હોય ને, તે વીસ વર્ષ પછી રિએકશન આપે છે. ત્યારે ક્યાં રાખી મેલ્યું હતું ? કઈ ગુફામાં રાખી મેલ્યું ? એનો એ જ શબ્દ ! અને આ પુરુષો ભોળા બિચારા, આ રેલ્વેની પાટલી પર બેઠા હોય ને, તો સાત જણ બેસે અને સ્ત્રીઓ ચાર જણ આમ બેસે, પાંચમું સમાય જ નહીં ને !