________________
[૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી...
પ્રશ્નકર્તા : દાદા, તમે એવું જ કરતા હતા ને, હીરાબા ખાય ત્યારે એમને ખબર પડે ને ?
૧૪૧
દાદાશ્રી : હા, એમને ખબર પડે એટલે હું બોલું જ નહીં કોઈ દહાડો. ખાય એટલે પોતાને ખબર પડે કે આ કઢી ખારી ખાઈ ગયા. આપણે કોઈને કહેવાની જરૂર જ નથી.
પાછા એ કહે, ‘ફલાણું શાક છે તે ખારું થઈ ગયું હતું, તે તમે આજ બોલ્યાય નહીં !' તે મેં કહ્યું, ‘તમને ખબર ના પડે ? મારે તમને જે જણાવવું હતું, તે તો તમને એમ ને એમ જણાવાનું છે, પછી મારે વળી જણાવીને શું ? કાળમુખા થવાનું શું કામ ?’ એ કાળમુખા કહેવાય. જે એ ખાવાના છે એનું આપણે જણાવીને શું કામ છે તે ? એટલે અમે કશી વાત બોલેલા નહીં. કોઈ જાતનું કશું અક્ષરેય બોલેલો નહીં. એમની આબરૂ નહીં બગાડવાની કોઈ દહાડોય, એ મારી ના બગાડે.
એટલે હું તો શું કરું ? થોડો શીરો પડ્યો હોય ને થાળીમાં, તે ગળપણ કશું હોય ને, તે કઢીમાં ચોળી દઉ અને મોળી કરી નાખું. ગમે તે રસ્તે ખાવાલાયક કરી નાખું. પછી ખાંડ-બાંડ માંગું નહીં. એટલે જાણે નહીં કે આ તો કઢી ખારી થઈ ગઈ. એવું કહેવા-કરવાનું નહીં. કશું માગું-કરું નહીં. અમારે ત્યાં બધાને પૂછો તો કહે, ‘ના, દાદાજી બોલ્યા નથી, કોઈ દહાડોય !' હું શું કરવા બોલું ? બોલનારા બધા છે ને ! હોશિયાર છે ને !
નહીં તો પછી સ્ત્રીઓ અંદર-અંદર શું કહે, ‘એ કાળમુખા જ છે !' બીજા બધા શબ્દો બહુ આવડે પણ કહે નહીં. તે મૂઆ આવો અપજશ આપણને આપે, તેના કરતા આપણે સીધા રહો ને ! પાંસરા થઈ જાવ ને !
આપણે તો સંપૂર્ણ વ્યવહારને માન્ય કર્યો. દરેક વ્યવહારને સમભાવથી નિકાલ કરીએ છીએ. કઢી ખારી થઈ હોય તોય એ વ્યવહારને આપણે તરછોડતા નથી. સમભાવે નિકાલ કરીને, કાં તો ઓછું લઈએ, કાં તો એડજસ્ટમેન્ટ કરીએ. કાલે પેલું ઢેબરામાં જરાક મીઠું વધારે હતું,