________________
૧૪)
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ભૂલ કાઢવાની ના હોય હવે કઢી ખારી થાય તો બૂમાબૂમ ના કરતા, “કઠું ખારું થયું છે' કરી ને ! કઢી ખારી થાય ત્યારે લોકો શું કરે ? બૂમાબૂમ કરે છે ? નવા જ જાનવરને ? પોતાની વાઈફે કર્યું હોય તેની મહીં ભૂલો કાઢે. તે આ મૂઆ ધણી થતા ન આવડ્યું? પોતાની વાઈફે કર્યું છે, એમાંય તે ખોડ કાઢી ? તે ક્યાં પાંસરો મરીશ, કહીએ ! અને પાછો કહે, “માય વાઈફ (મારી પત્ની).” અલ્યા મૂઆ, તારી વાઈફ છે તો ખોડ શું કરવા કાઢું છું ? આ એક જાતની અંદરખાને લડાઈઓ ચાલ્યા કરે છે પછી. અને જીવન પછી યૂઝલેસ કરી નાખ્યું છે ! આ ઈન્ડિયનો એટલા બધા વાંકા થાય છે, કે મને મુંબઈના ડૉક્ટરે કહ્યું કે એ તો ગર્ભમાંય વાંકા થાય છે, આડા થાય છે, તે અમારે કાપીને કાઢવા પડે છે. એટલે આ વાંકા થવાથી દુઃખ આવ્યું છે બધું ! સીધા થવાની જરૂર છે.
ભૂલ કોઈની કાઢવાની ના હોય, વાઈફની ભૂલ કાઢવાની ના હોય. વાઈફે ધણીની ભૂલ ના કાઢવાની હોય. સાધારણ ચેતવણી આપવી, કે ભઈ, આજે જરા કઢીમાં મીઠું વધારે હતું, તેય જમી રહ્યા પછી. આ તો જમતી વખતે બગડે મૂઓ. એટલે બધું આ જે રસ-રોટલી હોય ને, તો એમાં ખાવામાં મજા ના આવે. આ તો બાસમતી ચોખામાં કાંકરા નાખીને ખાય પછી. તમને સમજાય છે મારી વાત, જાગૃતિમાં તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ ? ઘરમાં શાંતિ બિલકુલ રહેવી જોઈએ, અશાંતિ થવી જ ના જોઈએ. અશાંતિ કરવાથી આવતા ભવને નુકસાન કરો છો, આવતો ભવ બંધાય છે, વેર બંધાય છે સ્ત્રી જોડે.
આપણે શું કામ કાળમુખા થઈએ ? આપણે કોઈની ભૂલ ના કાઢવી, સારું થાય કે ખરાબ થાય. ભૂલ ના કાઢીએ છતાંય ભૂલ કાઢવી હોય તો કેવી રીતે કાઢીએ ? પછી આપણે કહીએ કે “આજ તમને કઢી કેવી લાગી ?” ત્યારે કહે, “ખારી થઈ તમે બોલ્યા નહીં ?” “શું કરવા બોલું, તમે તમારી મેતે બોલો તો સારું.” આપણે શું કરવા બોલીએ ?