________________
૧૨૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
નહીં. આ દાદા ભગવાન કહે ને, પણ કશું ચલણ મારું નહીં. આટલુંય ચલણ નહીં. સારું કે નહીં સારું એ, ચલણ વગરનું ?
પ્રશ્નકર્તા : બહુ સારું.
દાદાશ્રી : એટલે આ મને પોટલાની પેઠ લઈ જાય છે, પોટલાની પેઠ લાવે છે. આ જાણે પોટલું હોય ને એવી રીતે, મારું ચલણ-બલણ કશું ના મળે. તમે સમજો કે દાદાનું ચલણ હશે, અક્ષરેય નહીં. ઘેર નહીં, બહાર નહીં કોઈ દિવસ. ચલણ વગરનું ના ચલણિયું નાણું, ભગવાન પાસે મૂકવાનું.
પ્રશ્નકર્તા: ના ચાલે એ જ ભગવાન પાસે મૂકવાનું ?
દાદાશ્રી : ના ચાલે એવું નાણું હોય ને, તે આપણે ત્યાં ભગવાન પાસે મૂકે છે. મેં પહેલેથી જ આ સિસ્ટમ ખોળી કાઢેલી. તે હીરાબાને કહ્યું, “મારે ચલણ જોઈતું નથી, હવે તમે ચલણ લઈ લો.” ભગવાન પાસે બેસવાનું મળે ને ! આ શું હાય હાય, હાય હાય ! કશું લઈ જવાનું નહીં અને આખી જિંદગી હાય હાય કરવાથી શું થાય ? જાનવરનો અવતાર આવે બળ્યો ! આનંદથી મરે ને, તો કાંઈ મનુષ્યનો ફરી અવતાર મળે. નહીં તો મનુષ્ય અવતાર ફરી દેખે નહીં.
ચોખેચોખ્ખું કહી છે તે આ દુનિયામાં કોઈ માણસ ચલણવાળો જભ્યો જ નથી. ઘેર ચલણ હોય એવો માણસ આ દુનિયામાં જન્મ્યો જ નથી કોઈ. એના કરતા મારા જેવા ખુલ્લું કરી દે એ શું ખોટું ? એટલે સૌથી પહેલો હું બોલતો હતો, વીસ-પચ્ચીસ વર્ષ ઉપર, જ્ઞાન નહોતું થયું ત્યારે. મેં કહ્યું, “ભાઈ, આ આપણું ચલણ નથી ઘરમાં.” એવું બોલું ને, ત્યાર પછી તોય પેલા બધા બોલે નહીં. અલ્યા મૂઆ, શિખવાડું છું ને, બોલ તો ખરો ! આ મોટો ચલણવાળો આવ્યો ! દુનિયામાં કોઈ ચલણવાળો હોતો હશે ? આ તો બહાર દેખાવ એક જાતનો. ચલણવાળા આવ્યા મોટા ! ચલણવાળાનો ડોળ કરવો છે. એના કરતા ચોખેચોખ્ખું કહી દો ને, કે ‘ભાઈ, ચલણ નથી અમારું.”