________________
૧૩૧
[૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી...
ભટકે છે સુખ માટે તે લાવે છે દુઃખ કંઈ બધાનો મોક્ષ હોતો નથી, પણ જીવન જીવવાની કળા એ તો હોવી જોઈએ ને ? ભલે મોહ કરો પણ જીવન જીવવાની કળા તો જાણો, કેવી રીતે જીવન જીવવું? સુખને માટે ભટકે છે ને, તો ક્લેશમાં સુખ હોય ખરું ? તે ઊલટો સુખમાં દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે ને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તો દુઃખ ના લાવે. દુઃખ હોય ને, તો એને બહાર કાઢે.
આ તો જમવા બેસે, સારી કેરીઓ લાવ્યો હોય, કેરી ના મળતી હોય એ ટાઈમમાં રત્નાગિરિ હાફુસ લાવીને રસ કાઢ્યો હોય અને રસ-પ્રી જમવાની વખતે ટેબલ ઉપર વાંકું બોલીને ઊભો રહે કે આ કઢી બગાડીને ખારી કરી નાખી, તે તરત આપણું બધું જમણ ખરાબ કરી નાખે. આમ ડિસ્ટર્બ કરે એનો શું ફાયદો ? આ કઢી બગાડી એવું બોલી ડિસ્ટર્બ કરે ખરા કે ? ના કરે ?
પ્રશ્નકર્તા : હા, દાદા, એવું જ થાય છે.
દાદાશ્રી : હવે મોંઘા ભાવની કેરીઓ લાવ્યા, તે બધાને નિરાંતે જમવા દે ને મૂઆ ! પાંસરો મર ને ! એક અવતાર સીધો મર ! મૂઆ, કઢી ખારી હોય તો ના અડ, આઘી મૂક એને. બીજું બધું જમ ને આ બધાને જમવા દે નિરાંતે, શું કરવા ડિસ્ટર્બ કરું છું ? પણ કર્યા વગર રહે નહીં, નહીં ? આપણે સીધા ન થઈ જવું જોઈએ ? બળ્યું, આ એક કઢી ખારી હોય તો કઢી બાજુએ મૂકો, બીજી વસ્તુઓથી ના ચાલે ?
આપણે તો કઢી ખાવી છે ને ? એ કઢી જોડે કંઈ શાદી કરવાની છે ? આપણે શાદી કરવાની હોય તો જાણે કે ચાલીસ વર્ષની સેફસાઈડ રખાય. કઢી જોડ કેટલા વર્ષની સેફસાઈડ રખાય ? આ સાંજે તો પાછું બીજું ખાવાનું હોય. એની સેફસાઈડ બે-ત્રણ કલાકની હોય, તેની શી ભાંજગડ રાખવી તે ? કેટલા કલાકની સેફસાઈડ કઢીની ? તેના હારુ પેલો ઝઘડો ચલાવે. પંદર દહાડા સુધી ચાલ્યા કરે, “તેં કહ્યું ખારું કર્યું'તું, કઠું ખારું...”