________________
૧૩૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : દાદાને જોઈએ તો એવું દેખાય કે આખો દહાડો આપ બધી વાતમાં એડજસ્ટમેન્ટ જ લેતા હોવ છો.
દાદાશ્રી : હા, એક વખત અમે નહાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના ? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ, નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી, ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, “આજે દાદાને નહાતા બહુ વાર લાગી.” તે શું કરીએ ? પાણી ટાઢું થાય ત્યારે ને ? અમે કોઈનેય આ લાવો ને તે લાવો એમ ના કહીએ, એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ-માઈનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઈનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઈનસ કરવાનું. અમે તો અમારા ડહાપણનેય જો કોઈ ગાંડપણ કહે તો અમે કહીએ, “હા, બરાબર છે.” તે માઈનસ તુર્ત કરી નાખીએ.
જાણવાની છે જીવવાની કળા આપણી સેફસાઈડ (સલામતી) તો કરો. વધારે ના થાય તો આપણા ઘરની ફેમિલીની સેફસાઈડ તો કરો. એ પહેલો ધર્મ અને પછી મોક્ષધર્મ
જીવન જીવવાની કળા આવડે એને જ “વ્યવહાર ધર્મ' કહ્યો છે. કંઈ તપ-ત્યાગ કરવાથી એ કળા આવડે નહીં. જેને જીવન જીવવાની કળા આવડી, તેને આખો વ્યવહાર ધર્મ આવડી ગયો અને નિશ્ચય ધર્મ તો “ડેવલપ” થઈને આવે તો પ્રાપ્ત થાય. અને આ અક્રમ માર્ગે તો નિશ્ચય ધર્મ જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થઈ જાય છે ! “જ્ઞાની પુરુષ' પાસે તો અનંત જ્ઞાનકળા હોય ને અનંત પ્રકારની બોધકળા હોય ! એ કળાઓ એવી સુંદર હોય કે સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત કરે.
જીવન જીવવાનું કંઈક જોઈએ કે ના જોઈએ, કંઈક કળા-બળા જોઈએ કે નહીં ? ગમે છે તમને આ વાત બધી ?
પ્રશ્નકર્તા: બહુ કામની છે, દાદા. દાદાશ્રી : જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે.