________________
૧૨૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દઈએ, ઓછી લઈએ, પણ કઢી વગર ચાલે એવું નહોતું. તે પછી મેં કહ્યું, “હવે શું કરીશું ? હવે કઢી તો નહીં ભાવે.” આમ મોઢે કહું નહીં કશું, “ખારી થઈ છે” એવું તો બોલું જ નહીં. કારણ કે કઢીને વગોવીએ તો આપણા જેવા મૂરખ કોણ ? જે કઢી જોડે રોજની ઓળખાણ, એને વગોવીએ તો આપણે મૂરખ ના કહેવાઈએ ? એને વગોવીએ, બનાવનારને વગોવીએ, કેટલા જણની વગોવણી કરીએ ? એના કરતા આપણે એનો કોઈ ઉકેલ લાવી નાખીએ.
કઢીમાં રેડ્યું પાણી તે મેં તો ધીમે રહીને મહીં પાણી રેડી દીધું થોડું, એ હીરાબાએ જોઈ લીધું. “એય, કઢીમાં તમે પાણી રેડ્યું, કઢીમાં પાણી !' મેં કહ્યું, કેમ સ્ટવ ઉપર નથી રેડતા ? કઢી સ્ટવ ઉપર હોય ત્યારે રેડીએ કે નહીં ?” ત્યારે કહે, “એ તો ઉકળતી હોય ત્યારે રેડાય.” ત્યારે મેં કહ્યું, આ મહીં ઉકળે જ છે.” એ મને કહે, “શાથી રેડ્યું ?” મેં કહ્યું, “ના, બરાબર છે. ત્યારે એ કહે, “અરે, ના રેડો, હું તમને ગરમ કરી આપું.” ત્યારે મેં કહ્યું, “ના, ના, એવું નહીં, મારે ગરમ જ છે. ચૂલા પર પાણી રેડીએ ને આમ પાણી રેડીએ એમાં ફેર નથી. ચૂલા પર પાણી રેડો તો તમે માનો કે કઢી છે આ અને અહીં પાણી રેડ્યું તો પાણી કહેવાય એમ ? બે એક જ... એક જ માના દીકરા છે બેઉં.” શું કહ્યું ?
પ્રશ્નકર્તા : એક જ માના દીકરા છે.
દાદાશ્રી : આ તો મનનું સમાધાન છે ને ! આ ચૂલા ઉપર પાણી રેડીએ, ત્યારે પછી થોડીવારે બે ઊભરા આવે એટલે તમે જાણો કે આ પાકી થઈ ને આ કાચી, એવું માનો છો તમે ? એવું કશું છે નહીં આ. પણ તે ના ખાવા દે ! બળ્યું, ઉપરેય પાણી જ રેડવાનું છે ને ! આ તો મનની માન્યતાઓ છે બધી. મને આમ માન્યું માટે આમ, નહીં તો બગડી ગયું” કહે. અલ્યા, નથી બગડી ગયું. એની એ જ આ, બગડે નહીં. આ પાંચ તત્ત્વોની જ દરેક ચીજ છે. કશું બગડવા-કરવાનું હોય નહીં. આ તો માન્યતાઓ છે. મારે ખાધા સાથે કામ છે. મહીં પાણી નાખ્યું એટલે ખારી ના લાગે. એ આપણે ખાઈ લીધું.