________________
૯૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : હા, પણ હવે એમને ગણવા-કરવાના નથી તોય. મેં કહ્યું, ‘તમને જેટલા જોઈએ એટલા આપીએ.” “હું કંઈ મેલું ? તમારે ત્યાં છો રહ્યા” કહે. ત્યારે મેં કહ્યું, “સારું.” પછી મેં કહ્યું, “પ્લેનમાં આવવું છે ?” ત્યારે કહે, “ના, પ્લેન-બ્લેનમાં મારે નથી આવવું.” સાજા-સમા હતા તે દહાડેય કહ્યું'તું મેં, “પ્લેનમાં જ તમારે આવવા-જવાનું.” ત્યારે કહે, “ના, એવા પૈસા ખર્ચાતા હશે? ગાડીમાં બધું મળે છે ને !' એટલે કંઈ નાખી ના દે કોઈ. ત્યારે એ નાખી દેતા હોય તો આપણે જાણવું કે એમની પ્રકૃતિમાં છે, એટલે બોલવું નહીં. નથી નાખી દેતા તેય પ્રકૃતિનું છે ને નાખી દે છે તેય પ્રકૃતિ.
લગ્નના પિસ્તાલીસ વર્ષ પછી પિછાણી પ્રકૃતિ પ્રશ્નકર્તા: મારા લગ્ન થયા પછી અમે બન્ને વ્યક્તિઓ એકબીજાને ઓળખીએ છીએ અને લાગે છે કે પસંદગીમાં ભૂલ થઈ ગઈ. બન્નેના સ્વભાવનો કોઈ રીતે મેળ ખાતો નથી, તો બન્નેનો મેળ કેમ અને કઈ રીતે કરવો કે જેથી સુખી થવાય ?
દાદાશ્રી : આ તમે જે કહો છો ને, આમાં એકેય વાક્ય સાચું નથી. પહેલું વાક્ય તો લગ્ન થયા પછી બન્ને વ્યક્તિ એકબીજાને ઓળખે, પણ એ નામેય ઓળખતા નથી. જો ઓળખાણ થાય તો આ ભાંજગડ જ ના થાય. ખરેખર જરાય ઓળખતા નથી.
મેં તો એક બુદ્ધિપૂર્વકના ડિવિઝનથી જ બધો મતભેદ બંધ કરી દીધેલો. પણ હીરાબાની ઓળખાણ મને ક્યારે પડી ? સાઠ વર્ષે હીરાબાની ઓળખાણ પડી ! પંદર વર્ષનો હતો ત્યારે પૈણ્યો, પિસ્તાલીસ વર્ષ સુધી એમને નિરીક્ષણ કર કર કર્યા ત્યારે મેં આમને ઓળખ્યા કે આવા છે !
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન થયા પછી ઓળખાયા ?
દાદાશ્રી હા, જ્ઞાન થયા પછી ઓળખાયા. નહીં તો ઓળખાણ જ ના પડે, માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કેવો છું ! એટલે આ વાક્ય “એકબીજાને ઓળખે છે” એ વાતમાં કશું માલ નથી અને પસંદગીમાં ભૂલ થઈ નથી.