________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કે જરા તપાસ કરો. અજવાળું છે હજુ.” ત્યારે એ કહે, “નહીં, અંધારું થઈ ગયું છે. ત્યારે અમે કહીએ કે “બરોબર છે.' અમારે મતભેદ નથી. લોકો કહે છે, એવું નથી. અમે સાયન્ટિફિક રીતે કહીએ કે બરોબર છે, અમારે મતભેદ નહીં. લોક કહે તે જુદી રીતે કહે. એ તો આપણા નોકરો છે તે શેઠના કહ્યા પ્રમાણે, “હા શેઠ, હા સાહેબ, હા સાહેબ કરે, એવું નહીં અમારું. આપણે તો સાયન્ટિફિક, મતભેદ પડે નહીં.
મારી દૃષ્ટિ ઊંચી હોય, એ એમની ના હોય, એ તો બની શકે, પોસિબલ (શક્ય) છે. પણ હુંય એમના જેવો હોઉ તો પછી મતભેદ પડી જાય. એ શું કહે છે ને કેવા આશયથી કહે છે, એ શું હેતુથી કહે છે એ હું તરત સમજી જઉ. એટલે હું એલાઉ કરું (છૂટ આપું) કે બરાબર છે. મતભેદ કેમ પડાય ? મતભેદ પાડવો એ અને ભીંત જોડે અથડાવું એ બે સરખી વાત છે. ભીંત જોડે અથડાય એમાં દોષ કોનો, ભીંતનો ? અને પાછા આપણા લોક શું કહે, “આ ભીંત મને વાગી.” અલ્યા મૂઆ, ભીંત વાગતી હશે ? તું ભીંતને વાગ્યો. તે મહીં તું એવો કેવો જભ્યો કે ભીંતને વાગ્યો. એટલે આ બધી ઊંધી દષ્ટિ છે અને તેના જ દુ:ખ છે. નહીં તો દુનિયામાં દુઃખ હોતા હશે ?
આંખ દબાવવાનું નાટક કરીને પણ ટાળ્યો મતભેદ
કાલે હીરાબા જોડે મતભેદ પડી જતો'તો ને, તે ના પડવા દીધો ને પણ ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હીરાબા સુઈ ગયેલા. તે એક જણ આવ્યા. તે મેં મોઢમોઢ કહેલું, “જાવ ત્રણ હજારમાં, ત્રણ હજાર બોલી. અમારી જમીન આપવાની હતી, તે આપી દઈશ ત્રણ હજારમાં. વત્તા-ઓછાની કિંમત મારે જરૂર નથી.” તે પેલા માણસ આવેલા કાલે. તો મેં કહ્યું, ‘દસ્તાવેજ કરો, સહી કરી આપશે. ત્યાં તો હીરાબા શું બોલી ઊઠ્યા ?
પ્રશ્નકર્તા : પાંચ હજાર લેવાના.