________________
૧૨૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
અમે હીરાબાના અતઈન્વાઈટેડ ગેસ્ટ અમે ઘરમાં રહીએ છીએ, છતાં ઘરના મહેમાન તરીકે રહીએ છીએ. હીરાબાના મહેમાન અમે ! ગેસ્ટ ! એ કહે કે આમને ઘરમાં આવવા દો તો અમે આવવા દઈએ, નહીં તો અમે ના બોલાવીએ કે તમે આવો. અમે તો મહેમાન ! મહેમાનથી બોલાવાય કેવી રીતે ? અને અમે તો જ્ઞાની પુરુષ, એટલે અમારે “આવો ને જાઓ” એ શબ્દ ના હોય.
અમારું ચલણેય નથી ને ઘરમાં ! એવું ચોખ્ખું જ કહી દીધેલું એટલે પછી કોઈ ચાય માંગે નહીં ને ! અને હીરાબાને ચા પાવી હોય તો પાય ને જમાડવા હોય તો જમાડે, એમાં અમારે શું ? લેવાય નહીં ને દેવાય નહીં. અને હીરાબાને કહું છું ને, “અમે તમારા ગેસ્ટ, અનઈન્વાઈટેડ ગેસ્ટ (વણનોતરેલા મહેમાન) !” ઘર અમારું હોય તો મહેમાનોને મારે સાચવવા પડે ને એટલે પછી “આપણે જરા શીરો બનાવજો, ફલાણું બનાવજો” કહેવું પડે. અને આ ચલણ જ નથી રહ્યું એટલે પછી તે શીરો ખવડાવે કે લાડુ ખવડાવે કે રોટલા ખવડાવે, આપણે એમાં ભાંજગડ જ નહીં ને ! અમને ખરા દિલથીય નહીં. દિલથી તો કેટલાય કાળથી વોસરાવી દીધેલું. આ ડખો જોઈએ જ નહીં. આખું રાજ આપે તોય અમને કામનું નથી, એવું કેટલાય વખતથી બેસી ગયેલું. અમારે આ મહીંલી બધી સાહેબી ! કેવી સરસ સાહેબી !
પ્રશ્નકર્તા: પણ આ ખરું, એક વખત જો એવું સમજાઈ જાય કે ચલણ ના રાખવું, અને નથી ચલણ તો બહુ છુટકારો થઈ જાય.
દાદાશ્રી : છુટકારો તો જ થાય, નહીં તો છુટકારો થાય નહીં. આ જ્ઞાની પુરુષના એક-એક અભિપ્રાય જો લેવામાં આવે તો છૂટકો જ છે. અહીં સંસારમાં રહ્યા મુક્ત જ છો, એવા એમના અભિપ્રાય હોય એક-એક ! ના ચલણી નાણું !
અક્રમ વિજ્ઞાનની અદ્ભુત શોધખોળ એકેએક શોધખોળ છે આ બધી અક્રમ વિજ્ઞાનની ! વિજ્ઞાન જ આખું અક્રમ છે ! ક્રમમાં તો આવું હોય નહીં ને ! ક્રમિક માર્ગના