________________
૧૦૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ભગવાનથીયે ફેરફાર ના થાય. એટલે મારી ભૂલો સુધારી અને પછી એડજસ્ટમેન્ટ લીધું.
સંસાર એનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં ! આ જ્ઞાન” મળે તો તેને એક જ રસ્તો છે, “એડજસ્ટ એવરીવ્હેર !”
આ તો એક બેનને જ્ઞાન નહોતું મળ્યું, તે મને કહેતા હતા, ‘મને તો આવા ધણી મળ્યા છે ને આમતેમ.' મને કહે, “હું જ્ઞાન લઉં તો એ પાંસરો થશે ?” ત્યારે મેં કહ્યું, ‘એ પાંસરા નહીં, તું પાંસરી થઈ જઈશ.” એ તો પાંસરા ક્યાંથી થાય છે ? પછી કહે છે, “મારા ધણીને જ્ઞાન મળે તો પાંસરા થશે ?” મેં કહ્યું, “તું પાંસરી થઈ જા ને, અને જે પાંસરું થયું તે જીત્યું.”
પાંસરો થયો ત્યારે જ્ઞાતી થયો હા, મને મારી મારીને લોકોએ પાંસરો કર્યો. કેટલાય અવતારથી માર ખાતો ખાતો આવ્યો ત્યારે પાંસરો થયો. તે ગમે ત્યાં એડજસ્ટ થઈ શકું છું. એવરીવ્હેર (બધે જ), એની પ્લેસ પર (ગમે તે જગ્યાએ) એડજસ્ટ થઈ શકું છું. પાંસરા તો થયે જ છૂટકો છે ને ! તેથી જ અમે પુસ્તકમાં લખ્યું, “એડજસ્ટ એવરીવ્હેર.”
બધા મારી મારીને પાંસરો કરે ! બૈરી મારીને પાંસરો કરે. પાડોશી, સગાંવહાલાં બધા મારીને પાંસરો કરે. પાંસરા કરે કે ના કરે ? તમને કોઈએ પાંસરા નહીં કરેલા ? પાંસરો તો લોકોએ મને બહુ કરી નાખ્યો છે. પાંસરો થયો ત્યારે જ્ઞાની થયો !
પ્રશ્નકર્તા: દાદા, આપ તો જ્ઞાની પુરુષ, અમારા મનમાં તો પ્રગટ પરમાત્મા જેવા, અમને મનમાં વસી ગયા અને આપને મોઢે અમે એવું સાંભળીએ કે અનંતકાળથી માર ખઈ ખઈને પાંસરો થયો છું. એવું આપ જ્યારે કહો, ત્યારે અમારો પુરુષાર્થ કેટલો બધો જાગૃત થાય ?
દાદાશ્રી : હા, બરાબર છે. તમે જો પાંસરા નથી થયા તો હજુ થવું પડશે. મારું કહેવાનું કે જ્ઞાન આપ્યા પછી પાંસરું થવું પડશે. માટે લોકો પાંસરા કરે એના કરતા પહેલેથી પાંસરા થઈ જાવ ને !