________________
૪૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
શું વાંધો છે હવે ?” તોય વઢવા માંડ્યા. મને કહે છે, “પેંડા ખવડાવાતા હશે ? આવું કરાતું હશે ?” મેં કહ્યું, “ભાઈ, તમે જો સમજો તો એ ગેસ્ટ છે અને ના સમજો તો તમારો છોકરો છે.”
તે બધાના મોઢા આમ ઉતરી ગયા. મેં કહ્યું, “મારું નથી ઊતરતું, તે તારું કેમ ઉતરે છે ? એ તો મહેમાન હતો, ગેસ્ટ હતો.” એ તો ગેસ્ટ હતો. તે ગેસ્ટ ના જાય ? ગેસ્ટને ઝાલી રખાય ? મને કહે, “આવું ના બોલાય, ના બોલાય આવું, અમે આ પેંડા ખાધા છે !' મેં કહ્યું, “હું હલ ખાવા લાગું છું ને !' મેંય પેંડા ખાવા લાગ્યા. પછી કકળાટ કરવાનો હોય ? એ તો ફરી આવશે, આના આ જ દૂધિયાં બેસતા વાર કેટલી લાગશે ? વેલો છે, નર્યા દૂધિયાં બેસ્યા જ કરે. પાછી છોડી છે તે પછી બેઠેલી (જન્મેલી). તે પાછું મરતું જાય ને બેસતું (જનમતું) જાય, બેસતું જાય ને મરતું જાય.
શા માટે ખવડાવ્યા પેંડા ? પણ બધાના મનમાં ખરાબ લાગ્યું કે “આવું કર્યું ?” કહ્યું, “તમે ખાત નહીં પેંડા. અને આનંદ પામવો જોઈએ. મહેમાન આવે તોય આનંદ, જાય તોય આનંદ. ગેસ્ટ છે આ બધા. એટલે જો મેં તમને “મરી ગયો” એમ કહ્યું હોત તો તમારા મનમાં દુઃખ થયા કરત, કે “અરેરે, બહુ ખોટું થયું ! ભલે ઉપલકનું ! ઉપલકનુંય દુઃખ ના થવું જોઈએ. તમારા મોઢા ઉપર ઉદાસીનતા ના આવી હોય અને હાર્ટિલી (દ્ભયથી) ના આવી હોય તોય તમારે બનાવટીયે પણ કરવું પડે. એના કરતા આ કશું ભાંજગડ જ નહીં. ખાઈ-પીને મોજ કરો. હું રડતો હોઉ તો તમારે રડવાનું. હું હસું એટલે તમારે હસવાનું જ.” રડવાથી ઊલટું એને દુઃખ થાય, આમાં આ રડનારાને દુઃખ થાય. એ રડવાનું તો બંધ જ રાખવું જોઈએ, રડાય નહીં.
પ્રશ્નકર્તા: પણ દાદા, પેંડા વહેંચવા એ કેવી રીતે યોગ્ય કહેવાય?
દાદાશ્રી : યોગ્ય કહેવાય નહીં, એ તો હું જાણું. પછી મનેય સમજાયું કે વ્યવહારમાં આવું ના કરાય. પણ હું થોડું મોડું સમજ્યો’તો.