________________
[૩] મતભેદ નહીં
૭૧
ઓછી થતા તેત્રીસમે વર્ષે ખલાસ થઈ ગઈ. કારણ કે પહેલા સમજણ નહીં એટલે ડખો પેસી ગયો હતો.
પ્રશ્નકર્તા : દાદા, કેવો ડખો હતો તમારે ?
દાદાશ્રી : લોકોએ સમજણ કેવી પાડેલી કે ધણીએ તો બૈરીને ઠેકાણે જ રાખવી પડે. એટલે હું મારી જાતને ધણી માની બેઠો હતો. ધણી ! ખેતરનાય ધણી, જમીનના ધણી અને સ્ત્રીના પણ ધણી ! તે હું મારી જાતને ધણી માની બેઠો હતો, તેનો ફસાયો હતો. પછી ખબર પડી કે આ તો ધણી નહોય, આ તો આપણે પાર્ટનર (ભાગીદાર) છીએ. વી આર પાર્ટનર. એટલે પછી મેં એમને કહ્યું કે “ઘરનું કામ તમારે સંભાળી લેવું, રસોડાનું અને બહારનું કામ મારે સંભાળી લેવાનું. તમારામાં મારે ડખલ નહીં કરવાની, મારામાં તમારે ડખલ નહીં કરવાની.”
વાળી લેતા આવડે પ્રશ્નકર્તા : જ્ઞાની માણસ પોતાની રિસાયેલી વહને મનાવી શકે કે નહીં ? બીજાની વાત નહીં, પણ તમે તમારી પોતાની વાઈફને એ રિસાયેલા હોય તો મનાવી શકો ?
દાદાશ્રી : હા, એ તો રોજ દર્શન કરે પગે લાગીને, પગે અડીને.
પ્રશ્નકર્તા: આપના વાઈફ હીરાબા રિસાય તો તમે મનાવી શકો એમને ?
દાદાશ્રી : અમારે તો એમની જોડે મતભેદ જ નથી. ગમે તેવા રિસાયેલા હોય તોય મનાવી શકું. ગમે તે પરિસ્થિતિ હોય તોય બચાવી લઉં.
હું તો ત્રીસ-બત્રીસ વર્ષનો હતો ત્યારથી રિપેર કરી નાખેલું બધુંય. ભાંજગડ જ નહીં, મતભેદ જ નહીં ! પહેલા પડી ગયેલા અણસમજણના લોચા બધા, ધણીપણું બજાવવા ગયેલા.
પ્રશ્નકર્તા : દાદા, બધા ધણીપણું બજાવે ને તમે બજાવો એમાં ફેર તો ખરો જ ને ?