________________
[3] મતભેદ નહીં
બુદ્ધિથી પૃથક્કરણ કરી ભાંગી ભૂલ હું પચ્ચીસ વર્ષનો હતો ને, ત્યારથી તપાસ કરતો'તો. આ લાઈફ મારી બહુ ખરાબ હતી, ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમર સુધી વાઈફ જોડે ઝઘડા-તોફાન ! પણ બહુ વિચારી વિચારીને શોધખોળ કરી. છેવટે પાંત્રીસ વર્ષની ઉંમરે મેં મતભેદવાળી લાઈફ પૂરી કરી નાખી. પછી મતભેદ નથી પડ્યો અમારે.
મેં મારે ઘેર ભૂલ કાઢી નાખી, ત્યારે મને ડાહ્યો થયો કહે. આજ પિસ્તાળીસ વર્ષથી મતભેદ નામેય નથી. હું અત્યારે સંસારી જ છું. જો
આ કપડાં-બપડાં ઘરના, મારા ધંધાના, બિઝનેસના. કોઈનો એક પૈસોય નહીં લેવાનો. અને કો'કનો પૈસો ખાવામાં આવે તો મારું મન કેવું થઈ જાય ! પછી તો ખલાસ જ થઈ જાય ને મન ! આ તો સમજવું જ પડશે ને ? ક્યાં સુધી આવું પોલંપોલ ચલાવીશું? મેંય બહુ દહાડા પોલંપોલ ચલાવેલું, હું કે ! ત્રીસ-બત્રીસ વર્ષનો થયો ત્યાં સુધી તો ચીઢાતો. પછી બહુ વિચાર કર્યો. મેં કહ્યું, “આ શું છે આની પાછળ, કૉઝિઝ શું છે ને આ કેમ આમ છે ?' સમજવું પડે કે ના સમજવું પડે ?
પ્રશ્નકર્તા: સમજવું પડે.
દાદાશ્રી : આ આપણી ભૂલ ને, મૂર્ખાઈ-ફૂલિશનેસ છે, આ વઢવઢા ને એ બધું તો. હવે આટલું બધું ભણ્યા ને ખાનદાનના છોકરા !
પ્રશ્નકર્તા : તે આ કઈ સમજણથી બંધ થઈ ગયું, દાદા ? એ ઉંમરે જ્ઞાન તો નહોતું.
દાદાશ્રી : ના, આમ જ્ઞાન નહોતું પણ આમ બુદ્ધિકળા બહુ સારી ચાલે. બુદ્ધિથી એ પૃથક્કરણ કરીએ. પૃથક્કરણ કરી આખું શું હોવું ઘટે, શું નહીં, જેથી કરીને આ ન થાય. અને લડવાનો શોખ હોય તો નિરાંતે પોલીસવાળાને ગાળો દઈને આવવું પણ ઘરમાં એ શોખ નહીં કરવાનો. અને ઘરમાં રીસ ચઢી હોય તો બહાર કાઢી આવવી પોલીસવાળા જોડે. પોલીસવાળા તો રાગે જ પાડી દે આપણને !