________________
૦૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
મતભેદ કાઢવા કાઢ્યો પોતાના જ મતને તમને આ વાતો બધી ગમે છે કે કંટાળો આવે છે ? પ્રશ્નકર્તા : હાજી, ગમે છે. દાદાશ્રી : કઈ વાત ગમી ?
પ્રશ્નકર્તા : આ તમે પેલી સાણસી મારી ધણીપણું કરે એ વાત કરીને, એ વાત બહુ ગમી મને.
દાદાશ્રી : આ સમજણનો કોથળો, તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી ! આ તે કંઈ રીતે કહેવાય, શોભે આપણને ?
પ્રશ્નકર્તા : પણ દાદા, એ સાણસી મારી એ તો એક માર્યા પછી પતી ગયું, પણ જે પેલા આંતરિક મતભેદ હોય ને, જે બિહેવિયરમાં (વર્તનમાં) એનું પરિણામ પામે, એ તો બહુ ભયંકર કહેવાય ને ?
દાદાશ્રી : બહુ ભયંકર. પછી મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કંઈ ઉપાય છે ? તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં એટલે પછી મેં શોધખોળ કરી જાતે કે આનો ઉપાય એટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત.
આપણે પહેલા આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો આપણે આપણું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુ:ખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં, સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને “જ્ઞાની' થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જાઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ.
પછી પાછલી જિંદગી હું એમના કહ્યા પ્રમાણે ચાલ્યો, મતભેદ પડે નહીં એટલા હારુ. પણ ઠેઠ સુધી કાઢ્યું. આ નાવ, મછવો કિનારે પહોંચ્યો ને !