________________
૫૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા: બહારનું નાટક..
દાદાશ્રી : તે હીરાબા રૂપાળા એટલે રૂપાળા તો હોય જ ને ! પછી કુરકુરિયાં કંઈ જેવા તેવા હોય ? તે એને ઊંચકવાનું મન થાય. મારા મોટાભાઈએ કોઈનું છોકરું જ ઊંચકેલું નહીં, તેય એને ઊંચકી ઊંચકીને ફર્યા કરતા'તા. એમનેય મોહ ઉત્પન્ન થયો. એટલે ક્યારેક હુંય ઉપાડું, તેડું ઘડીક, પણ અંદર નહીં કરું. એ ગયો ત્યારે કશુંય નહીં. મને તો મહેમાન આવ્યો'તો ને જતો રહ્યો એવું લાગે. મોહ નહીં, બિલકુલેય મોહ નહીં. મોહ તો હીરાબા ઉપરેય નહીં, ખાલી સંસારી રાગ, સંસારી ભાવ.
ટૈડકાવો તો કોન્ટ્રાક્ટ ફેલ કરતા વાર નહીં
પ્રશ્નકર્તા : પણ બાબા માટે ને બેબી માટે થોડી લાગણી તો હોય ને તમને ?
દાદાશ્રી : હોય બધી લાગણી. પણ અમે જાણીએ કે આના જેવડો થાય, મૂછોવાળો થાય ને ત્યારે કલાક લેફ્ટ-રાઈટ લઈ જુઓ જોઈએ. જો તમારો છોકરો હોય ને મોટો થાય ત્યારે પછી ટૈડકાવજો એક કલાક, તમારો છે કે નહીં ખબર પડશે. રૂપિયો ખખડાવીએ ને, તો બોદો છે કે સાચો છે એ ખબર પડે. એક કલાક છોકરાને ખૂબ આવડા આવડા (ભારે શબ્દોથી) ટૈડકાવીએ તો ?
પ્રશ્નકર્તા : જતો રહે ઘરમાંથી.
દાદાશ્રી : એટલે આ તો મૂછો ઊગી નથી ત્યાં સુધી. એ બાબો આવડો છે ને, ત્યાં સુધી પપ્પો-પપ્પો. આપણે દરિયામાં લઈ જતા હોય છોકરું, તે મહીં પગ અડાડી જુએ નીચે, ના અડતા હોય ત્યાં સુધી ચોંટી રહે અને પગ ભોંયે અડ્યા, પગ સ્થિર થયા કે તમને છોડી દે મૂઓ. એ એના ઘાટમાં જ હોય.
એટલે બહુ અતિશય કરવા જેવું નહીં આ બધું, રીતસરનું સારું છે. નાટકીય ડ્રેસમાં કોઈ આંગળી ના કરે એવું જોઈએ. નાટકમાં આંગળી થાય તો પગાર ઓછો થઈ જાય, કપાઈ જાય. એટલે તે અભિનય બરાબર