________________
[૨] દીકરો કે દીકરી, મહેમાન આવ્યા ને ગયા
૬૧
દાદાશ્રી : હીરાબાને છોકરો-છોડી મરી ગયા, ત્યારે મહીં મનમાં દુઃખ થયું હતું. ત્યારે મેં કહ્યું, “આ જાય છે તે હિત થાય છે, અત્યારે. ના જાય તો આપણે વાંધો નથી અને જાય તોય વાંધો નથી, એવું રાખો. નહીં તો આમાં મજા નથી. મોટો થયા પછી મજા નથી આમાં. આ બોમ્બ એવો ફૂટશે કે મનમાં એમ થશે કે આ ક્યાં.”
પ્રશ્નકર્તા :.. મોટો કર્યો !
દાદાશ્રી : હા, માટે આ એની મેળે ફૂટી ગયો તે બહુ સારું થયું, નિવેડો આવી ગયો ! એમ ને એમ ના કઢાય. આપણે એવી ઈચ્છા ના કરાય કે તું જતો રહે બા. આવ્યો એટલે કર્મના ફળ ભોગવવા જ પડે ને આપણે ? હિસાબ તો ચૂકવવો જ પડશે ને ? એની જોડે હિસાબ છે અને જેવા ભાવે છે તેવા ભાવે જ ચૂકવાય. ભાવમાંય ફેર ના થાય. માટે આ તો બધું વેરથી બંધાયેલું છે. તે વેરથી કેમ કરીને છૂટવું, એ આવડત આવવી જોઈએ.
પ્રશ્નકર્તા : પૂર્વના વેરથી જ ભેગા થાય.
દાદાશ્રી : આ તો પહેલેથી આપણે ત્યાં શાસ્ત્રકારોએ કહેલું છે કે કળિયુગમાં ઘરના માણસો પૂર્વના વેરથી આવશે, ભેગા થશે. એટલે મેં તો છોકરો પધાર્યો ને, તે નાનપણમાં જ પેંડા ખવડાવી દીધા. તે મૂઆ, મેલો ને પૂળો, વગર કામના ! શું કાઢવાનું છે ? ત્યારે હીરાબા કહે છે, “તમને આનો કશો પ્રેમેય નથી આવતો, આવું બોલો છો તે !! મેં કહ્યું, “આ મોટો થઈને એ દારૂ પીવત અને આ ઉપાધિ થાય, તે મારાથી સહન ના થાત. તે બધું પાંસરું થયું છે આ બધું.”
પછી તેમને કહ્યું, “આજના છોકરાઓ દમ કાઢશે તમારો. એ દારૂ પીને આવશે તે તમને ગમશે ?” ત્યારે એ કહે, “ના, એ તો ના ગમે.” ત્યારે મેં કહ્યું, “આ આવ્યા હતા તે ગયા, તેથી મેં પેંડા ખવડાવ્યા.” તે પછી જ્યારે એમને અનુભવ થયો ત્યારે મને કહે છે, બધાના છોકરાં બહુ દુઃખ દે છે. ત્યારે મેં કહ્યું, “અમે તમને પહેલેથી કહેતા પણ તમે નહોતા માનતા !