________________
[૧.૨] ફેંટો ખસ્યો ને આવ્યો વિચાર
હીરાબાને જોવાતો ઊભો થયો મોહ પ્રશ્નકર્તા: દાદા, તમને પરણતી વખતે પેલો વિચાર આવેલો ને?
દાદાશ્રી : હા, એટલે અમે તે દિવસે નાની ઉંમરના. અમે નાના છોકરાની ઉંમરમાં પૈણેલા, પંદર વર્ષે. તે વહુ જોવાની મહીં ઈચ્છા થયા કરે, “કેવી દેખાય છે ? કેવી નહીં ?” તે આમ આમ જોવા ગયો, તે પહેલા ફેંટો આડો આવ્યો. પછી શી રીતે જોવું તે ?
હવે ચોરીમાં પૈણવા બેઠા હોય તે માણસની ઈચ્છા શું થાય ? સામી બૈરી બેસાડી હોય એટલે જોવાનું મન થાય, ના થાય ?
પ્રશ્નકર્તા : થાય, થાય.
દાદાશ્રી : હું તો રોફથી પૈણવા બેઠેલો. નવો-નવો ફેંટો પહેરેલો, તે ખસી ગયો. જૂનો હોય તો ખસે નહીં, પણ નવો હતો ને ઉપર ખૂંપ આવ્યો, અમારે પાટીદારના, ક્ષત્રિયોના ખૂપ એટલે બહુ ભારે હોય, મોટા-મોટા ફૂલના. તે ઉપર ચઢાવેલો, તે પેલો ફેંટો ખસી ગયો. તે અહીં (આંખ) સુધી આવી ગયો. આ દેખાતા તો છે નહીં, હવે શું જોઈશું આપણે ? જોવા તો પડે ને એમને, સામા બેઠા હોય તો. પૈણવા આવ્યા છે, તો પૈણનારને જોવા પડે ને, ના જોવા પડે ? દેખાયા નહીં એટલે આમ ખુલ્લું કરીને જોયા એમને. શું થાય બળ્યું ? ગૂંચાઈએ ને !