________________
૩૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
વ્યવહારમાં રહ્યા છતાં તીર્થકર ગોત્ર પૂરું કર્યું. એટલી શક્તિ તમારામાંય છે. તમારામાં શક્તિ આવરણ મુક્ત થઈ નથી, એ અવરાયેલી પડી છે.
કશામાં નહીં તન્મયાકાર, તેતો છે મહાન ઉપકાર
એટલે સત્સંગમાં થોડો લાભ લેજો. આ લગ્નમાં બહુ તન્મયાકાર ના રહેશો. હવે અત્યારે આપણે આ માંડવાનો તો કશો વાંધો નથી, બધે હરી-ફરીએ, લગ્નમાં બધે આવીએ-જઈએ. એ એમ નથી કહેતા કે તમે તન્મયાકાર રહો. તમારો મોહ તન્મયાકાર કરે છે. તમને આ જેટલો પણ મોહ છે એ તન્મયાકાર કરે છે. તમે તન્મયાકાર ના રહો તેથી કરીને પેલા તમને વઢે નહીં, કે તમે તન્મયાકાર કેમ નથી રહેતા ? હું કોઈના લગ્નમાં જઉં, મોટે ભાગે જતો નથી, પણ જઉં તો મને કોઈ વઢે નહીં. એ તો જાણે કે તમે તો ઊલટું મારું કલ્યાણ કરી નાખ્યું, એવું કહે. અને તમે તન્મયાકાર રહો તોય તમારાથી કંઈક ભૂલ થઈ જાય તો બૂમાબૂમ કરે તમારી જોડે. એટલે વધુ ઉપકારી કોણ છે ? જે તન્મયાકાર નથી રહેતા ને, તે સંસારનેય વધુ ઉપકારી છે, પોતાને ઉપકારી છે ને પરને ઉપકારી છે. બધી રીતે ઉપકારી છે. એટલે તન્મયાકાર ના રહેવાય એવો કંઈક રસ્તો શોધવાનો રહ્યો. પોતાની ભૂમિકામાં જ રહેવાય, પારકી ભૂમિકામાં ના જવાય. ચંદુભાઈ એટલે પારકી ભૂમિકા.