________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પરણતી વખતતો વેશ પ્રશ્નકર્તા : દાદા, તમે પરણતી વખતે કપડાં કેવા પહેરેલા ?
દાદાશ્રી: તે દહાડે બધા છોકરાઓ ભાડૂતી કપડાં પહેરે. ડ્રેસવાળાને ત્યાં કપડાં મળે, બધા જરી-કસબના, ટોપી-બોપી બધું જ. મેં તો ફોરેનના (વિદેશી) કાપડના કપડાં પહેરેલા. લાંબો કોટ પહેરેલો, એ શેરવાની જેવો. અને ત્યારે ફાધરે અહીં આગળ છે તે ભાભીના સોનાના પાટલા પહેરાવડાવ્યા અને સોનાનું અહીં આગળ લોકિટ પહેરાવ્યું તું.
પ્રશ્નકર્તા : તમને પહેરાવ્યું?
દાદાશ્રી : હા, એવોય કાળ હતો ! સોનાના કડા પહેરેલા અહીંયા આગળ. તે દહાડે શણગારતા. શણગારે ત્યારે જ રૂપાળો દેખાય ને ? નહીં તો રૂપાળો શી રીતે દેખાય ? શણગારે ત્યારે રૂપાળો દેખાય. હવે મૂઆ, સ્ત્રીઓની જણસો પહેરાય ? ત્યારે પહેલા પહેરાવી દેતા હતા.
પ્રશ્નકર્તા : શા માટે પહેરાવતા હતા ?
દાદાશ્રી : સોનું છે ને ! “વરરાજાના કેવા દાગીના છે !' કહેશે. અલ્યા, દાગીના શું કરવા ચડાવે છે ? એનું મોઢું જુએ છે લોકો. ત્યારે કહે, “ના, દાગીનાય જોવાના છે.” ના જુએ ? હું ?
પ્રશ્નકર્તા : જુએ.
દાદાશ્રી : અને પૈણતી વખતે સાફો નવો બાંધેલો, ફેંટો. અમે ક્ષત્રિયપુત્ર કહેવાઈએ ને, અને તમેય ક્ષત્રિયપુત્ર કહેવાવ ને ! તે દહાડે ફેંટા પહેરતા'તા અને પહેરણ પહેરીને પંદર-સોળ વર્ષનો છોકરો, એય રૂપાળો બમ દેખાય ! ચોગરદમ ભરેલા હોય ક્ષત્રિયપુત્રો એટલે. અને કાંડા જોરદાર હોય. આવું કાંડું ના હોય. તે દહાડે તો બહુ જોરદાર કાંડું ! આ તો બધું સૂકાઈ ગયું. જેમ દૂધિયું સૂકાઈ જાય ને, તેમ સૂકાઈ ગયું. તે પંદર વર્ષે પૈણવા બેઠેલો અને ધામધૂમથી પૈણેલો.