________________
૧૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
એટલે એમને એમનો માલેય વેચાયો, ત્રણ હજાર રૂપિયા આવવાના થયા. માલ વેચાયોને, સારી રીતે ? અને મનેય વાંધો આવ્યો નહીં. ફાધરનો માલ વેચાયો, નહીં ? ત્રણ હજાર રૂપિયા ઉપજ્યા ! પૈઠણ તે દહાડે ત્રણ હજાર રૂપિયા લીધી, ૧૯૨૩ની સાલમાં. અત્યારે તો સિત્તેર હજાર રૂપિયા કહેવાય. તે વીસ-પચ્ચીસ ગણા ના થઈ ગયા ?
પ્રશ્નકર્તા : વધારે થઈ ગયા, પચાસ ગણા હવે.
દાદાશ્રી : તે દહાડે બાવીસ રૂપિયે તોલાનું સોનું. તે દહાડે ત્રણ હજારમાં તો બાપાનું થોડું દેવું થયું હતું તે વળી ગયું અને રૂપિયા થોડા વધ્યા.
સસરાને જોઈતો હતો સારા કુટુંબનો છોકરો પ્રશ્નકર્તા એ વખતે હીરાબાના ઘરની સ્થિતિ કેવી હતી ?
દાદાશ્રી: હીરાબાના ફાધરને પૈસા ખેતીવાડીમાંથી ઉત્પન્ન થયેલા. એટલે આ અહીં દહેજ આપીને લઈ ગયેલા. દહેજ સારા પ્રમાણમાં કહેવાય એ જમાનામાં, ૧૯૨૩માં.
પ્રશ્નકર્તા : ૧૯૨૩માં ?
દાદાશ્રી : હા, તે ઘડીએ રૂપિયો તો બહુ કિંમતી, સોનાના પેંડા જેવો હતો.
પ્રશ્નકર્તા : હવે એ વખતે તો બસ્સો રૂપિયાના મકાનો મળતા હતા અમદાવાદમાં.
દાદાશ્રી : હા, તે જ કહું છું ને કે એ દહેજ એટલું આપેલું એમના બાપાએ. કેવા પુણ્યશાળી માણસ ! પુણ્યશાળી ત્યારે ને ! એ પૈસા પેલા કમાયેલા ને, એટલે આપે. એમને એવું કે સારા ઘરનો છોકરો લાવવો આપણે, સારા ફેમિલીનો, જ્યારે અમારે ઘેર પૈસા-બૈસા ના મળે. અમારે તો ફેમિલી સારી એટલું જ. પૈસા-બૈસા લાંબા હોય નહીં અમારી પાસે, ઘર ચાલે એટલું જ. એમને ઘેર તો પૈસા સારા હતા. એટલે હીરાબા કહેય ખરા ને, “મારે ત્યાં તો બધું બહુ હતું, પણ અહીં ઓછું છે.”