________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા: કેડમાં ઘાલીને લાવ્યા'તા ?
દાદાશ્રી : હા, મનેય કેડમાં ઘાલીને લઈ ગયા'તા. અમારામાં સાસુ કેડે બેસાડે. તે મને હઉ મારા સાસુએ કેડે બેસાડલો, પંદર વર્ષનો હતો તોય. એવા મજબૂત હતા એ. જોને, ભૂલથી બોલાઈ જવાયું ને, પંદર વરસનો હતો તોય મને ઊંચકી લીધો ને કેડમાં ઘાલ્યો'તો.
પ્રશ્નકર્તા : એમાં ભૂલ શું થઈ, દાદા ? દાદાશ્રી : ના પણ, “ઘાલીને' બોલાય એવું? આવું બોલાતું હશે? પ્રશ્નકર્તા : છે એવું કહ્યું, દાદા ! દાદાશ્રી : અત્યારે કોઈ ઘાલે ? કેડે બેસાડે ?
પ્રશ્નકર્તા: ના, અત્યારે તો ઊંચકાય જ નહીં, પાડા જેવા પચ્ચીસ વર્ષના.
દાદાશ્રી : ઊંચકાય શી રીતે ? પેલા ઊંચકે શી રીતે તે ? પ્રશ્નકર્તા : અત્યારે તો ખાલી નાક ખેંચે વહાલમાં.
દાદાશ્રી : પહેલા આટલું બધું નાક નહોતા ખેંચતા. આ અત્યારે વહુ (પક્ષ) નાક પકડે છે બધું. અને પહેલા જો આટલું બધું પકડવા જાય ને, તો વરરાજા એને બે તમાચા મારી દે એવા હતા. એ તો વરરાજા કાંઈ જેવા તેવા નહોતા !
મને તો અમારા સાસુ જો જો જ કર્યા કરે ! પંદર વર્ષે ઊંચકી લીધેલો એ બઈએ. આવું મોટું શરીર ! પણ સાસુને વહાલો લાગ્યો તે કેડમાં ઘાલેલો ! “આવા જમાઈ મળે નહીં, મારા જમાઈ... મોટું ગોળગોળ લાડવા જેવું છે', એવું હઉ બોલેલા. શરીર બહુ ભરેલું નહીં, બહુ પાતળું નહીં, ભરેલી સીંગ જેવું. બેડોળ ના દેખાય. એટલે સાસુને બહુ વહાલ આવ્યું, તે મને આખોય ઊંચકી લીધો, માંહ્યરામાં. પેલા ગોતીડો તો બીજા લઈને આવ્યા'તા પણ એમને આ વહાલ આવ્યું તે ઊંચકી લીધો. *ગોતીડો - લગ્ન વખતે માટલી લાવવાની ક્રિયા