________________
જ્ઞાની પુરુષ દાદા ભગવાન' ભાગ-૨
[૧]
દાદા - હીરાબાના લગ્ન
[૧.૧]
પરણતી વેળાએ અમારી પંદર વર્ષની ઉંમર, સાસુને આવ્યું વહાલ
પ્રશ્નકર્તા : દાદા, તમારા પૂર્વજીવનની એટલે કે તમારા કુટુંબ વિશે વાત કરો ને !
દાદાશ્રી : મારે એક છોકરો ને છોકરી બે હતા, તે નાનપણમાં જ ગુજરી ગયા. પછી બ્રધર હતા તેમ ઑફ થઈ ગયા. બ્રધરને છોકરાં કંઈ હતા નહીં. પછી મધર ઑફ થઈ ગયા. અને ફાધર તો વીસ વર્ષનો હતો ને ઑફ થઈ ગયેલા. એટલે હવે હું ને મારા વાઈફ બે રહ્યા.
પ્રશ્નકર્તા : દાદા, તમે પૈણ્યા ત્યારે ઉંમર કેટલી હતી ?
દાદાશ્રી : મારી ઉંમર હતી પંદર વર્ષની. પણ એ તો મોટો કહેવાય તે વખતમાં.
પ્રશ્નકર્તા : એ પૈણ્યા કે તમે પૈણી લાવ્યા ?
દાદાશ્રી : એ પૈણ્યા ને ! પણ એમની ઉંમર તેર વર્ષની, બિચારાની. એમાં શું સમજે, પૈણવામાં ? આ મારો વર છે, એવું સમજે.