________________
લીલામાત્રમાં ઘણા દૂર જઈ પહોંચ્યા. દુનિયાને જોતાં કુમાર અને રવિશેખર સમુદ્ર ઉપર આવી પહોંચ્યા. કીલિકા વડે રવિશેખરે મત્સ્યને જલધિમાં જવા માટે નીચે ઊતાર્યો. પળવારમાં તો તે ગળામાં પાડેલ છિદ્ર વડે મસ્ય મોતીને ગળવા લાગ્યો. (મોતી ગ્રહણ કરવા લાગ્યો) પેટમાં સમાય તેટલા મોતી લીધાં. મોટા માછલા નાના માછલાને જેમ ગળી જાય, તેમ આ લોહ મત્સ્ય મોતી ગળી જતો હતો. તરત ત્યાંથી સમુદ્ર સપાટી ઉપર આવી ગયો. વળી આકાશ માર્ગે ઘરે પાછો આવી ગયો.
બંને મિત્રો મત્સ્ય ઓરડીમાંથી બહાર નીકળ્યા. રવિશેખરે તરત જ કીલિકા ખેંચી. તો મત્સ્યના પેટમાં રહેલા મોતીનો ઢગલો થઈ ગયો.
કુમાર - હે મિત્ર ! આ વિદ્યા કયાંથી પ્રાપ્ત થઈ?
રવિશેખર - બંધુ! સિધ્ધા નામની દેવીની સાધના કરતાં, પૂજા કરતાં, એક મનથી આરાધના કરતાં દેવી પ્રસન્ન થઈ. અને મને કુંચી તથા વિદ્યા એ બે વસ્તુ ભેટ આપી. પણ.. પણ. અમારા રાજાની અમને ઘણી ભીતિ છે. જો જાણે તો અમને યમરાજાને ત્યાં જ મોકલી દે. અમને જીવવા ન દે. વાત સાંભળી ચંદ્રકુમાર કહે - મિત્ર ! આ વાત પ્રગટ કરવી નહિ. તમે સૌ હમણાં શાંતિથી રહો. મને જયારે રાજ્ય મળશે ત્યારે તું મારા બંધુ સરખો હું તને તરત જ બોલાવીશ.
રાજપુત્ર જાણી રવિશેખરે કુમારને વિદ્યા શીખવી. વિનયપૂર્વક નમસ્કાર કરી કુમારે રવિશેખર પાસેથી વિદ્યાને ગ્રહણ કરી.
કુમાર - મિત્ર! ચિંતાને દૂર કરી આનંદથી રહેજો. હું વચન આપું છું કે તમને ત્યારે બોલાવીને પ્રધાનપદ આપીશ. હવે અમે અહીંથી જઈશું. કુમાર જવા તૈયાર થયો. ત્યારે લોહકારે ૧૦ શેર મોતી આપ્યાં.
મોતી લઈને કુમાર રથકારના ઘરે પહોંચ્યો. રથકારની પાસે જઈને ૧૦ શેર મોતી ભેટ આપ્યાં. રતિસુંદરીએ મોતી લીધા. કુમારને ઓળખતી સુંદરીએ પતિ સુરદેવને ઓળખાવ્યો. રથકાર સુરદેવે કુમારનું સ્વાગત કર્યું. આદર સત્કાર ઘણો કર્યો. ધનથી વિશ્વ વશ થાય. તો રથકાર વળી કોણ? મોતીનો ઢગલો જોતાં સુરદેવ વશ થયો. કુમારની સેવા કરવા લાગ્યો. મીઠાં વચનોથી વાતો કરવા લાગ્યો. આ પ્રમાણે પાંચમી ઢાળ સમાપ્ત કરતાં કર્તા કહે છે કે, દાતાર જગતમાં મેહ સમા કહ્યા છે. તેની ચાહના ઘણી જ હોય.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
33