________________
જગતમાં કુડ, કપટ, છળ, પ્રપંચ તેમજ ભેદથી ભરેલી વાતો જૂઠ હોય છે. જ્યારે સત્ય વચન કહેનાર ગંગાજળ સરખા કહા છે. તે સત્ય વચનો અંતે તો સુખદાયી લાભદાયી હોય છે. અહીંયાં જે વસ્તુની જાણકારી નહિ તો ત્યાં બોલવું વ્યર્થ છે. વળી હે પિતાજી ! જેમ મીઠી દ્રાક્ષ છોડી કેરડાના કાંટા ગમે છે, કાગડાને આંબાના મીઠા ફળ છોડી લીંબોળિ ગમે છે. તેમ અહીં પણ મારી એ દશા થઈ છે. જેને સારાસારના વિવેકની ખબર નથી, તેની આગળ વધારે કહેવાથી શું?
શેઠ - હે પુત્રવધુ! ભૂલચૂક અમારી ભૂલી જાઓ. હવે જે સત્ય હોય તે કહો.
શિયળવતી - સસરાજી! માતપિતાના ઘરે નાનપણથી જ વિનય વિવેકના ઘૂંટડા પીધા છે. વળી ગુરુસમીપે રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો છે. તેમાં મારા ભાઈ સાથે હું પણ બીજા શાસ્ત્રો ભણી. ‘કાકઢત' આદિ પ્રમુખ ગ્રંથોનો અભ્યાસ ગુરુ પાસે અમે બંને ભાઈ બહેન કરતા હતા. તેમાં પશુ પંખીની વાચાનું જ્ઞાન પણ સદ્ગુરુ કૃપાથી પ્રાપ્ત થયું. તે જ્ઞાનને લઈને પશુપંખીની ભાષાઓ અમે સમજી શકીએ છીએ.
પિતાજી ! આ કાગડો કહે છે કે મને જો તમે કરબો (છુંદો) ખાવા આપો તો હું તમને નિધાન બતાવું. દસ લાખ સોનાનું દ્રવ્ય બતાવું.
મેં તેનો જવાબ આપતાં કહ્યું કે મારે ધન જોઈતું નથી. એકવાર તો ઉપાધિમાં પડીને પતિ વિયોગ થયો. હવે બીજીવાર મારે છેતરાવું નથી. મારે તારું નિધાન જોઈતું નથી.
શેઠ તો સોનાના દ્રવ્યની વાત સાંભળી પાણી પાણી થઈ ગયા. શિયળવતીને કહેવા લાગ્યા - વહુ બેટા ! વળી કાગડો તને શું કહે છે?
| શિયળવતી - કાગડો તે જ વાત ફરી કહે છે. કે તે કરબો ખાધો તો તે મને ખાવા આપ. હું તને દસ લાખનું નિધાન બતાવું. શેઠે તરત રથકારને બોલાવ્યો અને કરંબાનો ડબ્બો મંગાવી શિયળવતીને આપ્યો. શિયળવતીએ તેમાંથી કરંબો કાઢીને એક બાજુ પાંદડા ઉપર મૂકયો. તરત જ કાગડો કરંબા પાસે આવ્યો. શિયળવતીને કહેવા લાગ્યો.
હે ભાગ્યશાળી ! તું બેઠી છે તે કેરડાના ઝાડ નીચે તેના મૂળામાં દસ લાખનો ચરુ છે. તે ચરૂમાં દસ લાખ સોનાના સાચા દિનાર-સોનામહોર છે.
શિયળવતીએ સસરાને કહ્યું કે આ કેરડાના મૂળમાં સોનાથી ભરેલો ચરુ છે. શેઠ તો વિચારવા લાગ્યા કે શું આ સત્ય હશે? શિયળવતી કહે - પિતાજી ! શાસ્ત્રની વાણી કદાપિ અસત્ય ન હોય.
તરત જ રથકાર પાસે કેરડાના મૂળ પાસે ખોદાવવા માટે કહ્યું. ને તે જગ્યા ખોદતાં જ નકકર સોનામહોર ભરેલો ચરુ નીકળ્યો. તે જોતાંજ શેઠ અચંબો પામ્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૧