Book Title: Chandrashekhar Rajano Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Vadachouta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 579
________________ એકબીજા પ્રતિ સાચા સ્નેહના તંતુ બંધાય. તેમાં કોઈ ધંધો ખોટનો કરે, તો વળી કોઈ નફો કરે. નફો-ખોટ લઈ લઈને સૌ પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. જેમ રસ્તામાં વટેમાર્ગુ મળે તો એકબીજા પરસ્પર વાતો કરે, પ્રેમ ઉપજે. ધર્મશાળામાં રાતવાસો કરી. સવારે પોતપોતાના પંથે ચાલ્યા જાય છે. પ્રેમ લાગણી કે સ્નેહ થયો હોય તો એકબીજા શી રીતે તેનું વહન કરે ? તે જ પ્રમાણે આ સ્વાર્થી સંસારમાં માતાપિતા, પુત્ર-બાંધવ, સ્ત્રી-ભરથાર, સગાં-સંબંધી સહુ મળ્યાં. તે રાતવાસી વૃક્ષ ઉપરના પંખીવત્ મળ્યાં. કોઈ કોઈનું સગપણ રાખતું નથી. આયુષ્ય રૂપ સવાર પડતાં દશે દિશામાં ચાલ્યા જાય છે. જ્યારે જીવડો પરલોક જાય ત્યારે, જીવે ભેગું કરેલું ધન ઘરમાં રહી જાય છે. સાથે આવતું નથી. જિંદગીપર્યંત પત્નીનો સ્નેહ પાળ્યો હોય તો તે પત્ની વિસામા સુધી (શેરી સુધી) જ સાથે આવે છે. પછી તે પણ ત્યાં જ થોભી જાય છે. પુત્રાદિક સગાં વ્હાલાં સ્મશાન સુધી જ સાથે આવે છે. જ્યારે લાકડાની ચિતામાં શરીર બળી જશે પછી ત્યાંથી સાથે કોઈ આવતું નથી. અંતે જીવ એકલો જ પરભવની વાટે ચાલ્યો જાય છે. ‘મા’ ! આ સંસારની માયા કારમી છે. વિષયો વિકારી અને વિનાશક છે. જન્મ, જરા (ઘડપણ), મૃત્યુ રૂપ આ અસ્થિર સંસારમાં આ જીવાત્માને કોઈ જ શરણભૂત થતું નથી. સાચું શરણ ધર્મનું છે. આ બિહામણા સંસારમાં ભવોભવના ભયથી હું ડરું છું. તે કારણે સંસારનો ત્યાગ કરીશ અને ચારિત્રને ગ્રહણ કરીશ. બળવાનની બાંય પકડતાં કામ થાય. તેથી જ બળવાન પરમાત્માનું આલંબન લેતાં આ ભવ પાર પમાય. મૃગસુંદરીનો ચારિત્રને ગ્રહણ કરવાનો નિશ્ચય છે. તે જાણી રાજા તથા રાજમાતા રત્નવતીએ ગુરુભગવંતની હાજરીમાં દીક્ષાની અનુમતિ આપી. રાજા પરિવાર લઈને સહુ ઘેર આવ્યા. મૃગસુંદરીની દીક્ષાની તૈયારીઓ થવા લાગી. તીર્થાદિકથી જળ મંગાવે છે, અને મૃગસુંદરીને અભિષેક કરે છે. ત્યારપછી મૃગસુંદરીએ પદ્મપુર નગરે માતાપિતાને સંદેશો મોકલ્યો. દીક્ષાની વાત જાણી પદ્મરાજા પિતા તથા માતા આદિ પરિવાર વેગપૂર્વક આવી ગયાં. સૈન્ય સહિત આવેલ પદ્મરાજાએ ગંગા નદીના કિનારે સૈન્યને ઊતાર્યું. ત્યારપછી માતાપિતા પુત્રીના આવાસે આવ્યા. પુત્રી મૃગસુંદરીને જોતાં જ માતા ગળે વળગી. છૂટા મન થકી રડવા લાગી. પિતા પણ રડતાં હતાં. મૃગસુંદરી માતાપિતાને આશ્વાસન આપતાં કહે છે - ‘માતા’ ! આ ભવની જ આપણી સગાઈ છે. પૂર્વે તો ઘણી ઘણી સગાઈને સગપણ કરીને આવ્યા છીએ. આ માતા, હું પુત્રી ! વગેરે તેમાં નવાઈ શી ? માતાપિતાને સમજાવી રજા મેળવી. વળી મૃગસુંદરી સાસુ રત્નવતી પાસે આવી. પોતાના આવાસે જિનેન્દ્ર ભકિત મહોત્સવ આઠ દિવસનો મંડાવ્યો. પૂજા-ભકિત ભાવના સંગીત સાથે તેમજ ગીત નાચ ગાન વગેરે પરમાત્માના મંદિરે થવા લાગ્યાં. દીક્ષા માટે વરસીદાન દઈને જવા માટે ઘણી સુંદર સજાવટ સાથે શિબિકા તૈયાર કરાવી. દીક્ષાની શિબિકા લગ્નની તૈયારી કરતાં અનેક પ્રકારે સજાવી હતી. (શ્રી ચંદ્રોખર રાજાનો રાસ ૧૩૮

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586