________________
રે સંસારી જીવો! આ પુગલ ઉપરના વિષયો તથા વિષયોમાં આસક્ત જીવોને બંનેને ધિક્કાર હો. જ્ઞાની કહે છે કે જીવ પ્રત્યેનો દ્રષ્ટિ-રાગ ભયંકર છે. જેમ નાગને રમાડવો ભયંકર છે, તેમ દૃષ્ટિરાગી જીવો જેના પ્રત્યે રાગ રાખે છે તે નાગ જેવો છે. તેમાંયે જો નારી રૂપી નાગણથી જે લોકો ફસાયા છે, નારી રૂપ નાગણે જેને ડંસ દીધો છે તે પુરુષોને ક્યારેય ઝેર ઊતરતું નથી. પછી ગારુડીકો આવી, મંત્ર ભણે તો પણ તે મિથ્યા નીવડે છે.
રૂપાળીએ પણ પોતાના સ્વામીને હાવભાવ ને ચેનચાળાથી રીઝવી દીધા. રાગાંધ વિરસેન કશું ન સમજ્યો. તે રાત્રિએ કામક્રીડા કરતી રૂપાળી પતિને કહે છે - “સ્વામી !'' આ વહાલી યાદ આવતી હતી, કે હૈયા થકી વેગળી કરી દીધી. કેટલા બધા દિવસે મારી સંભાળ લીધી. આટલા બધા દિવસો કેમ થઈ ગયા? શું આપને હું યાદ આવતી નહોતી? હે નાથ ! આપનો વિયોગ મને અગ્નિની જેમ બાળતો હતો. મારા અંતરમાં આપના વિયોગનું દુઃખ સમાતું નહોતું. મારી આ વિરહવેળાની વેદના કોને કહું? તમારા વિયોગમાં મને અન-પાણી ભાવતાં નહોતાં. તે કારણે મને જુઓ તો ખરા કેવી હું દૂબળી થઈ ગઈ છું. આપ જેવા મને ભરથાર મળ્યા ને આપ દૂર રહો તો મોહ ભરેલી મારી દશા શી ! લોકો મને મોહઘેલી કહે છે. સ્વામીનાથ ! સાચું કહું તો તુમ વિણ મારી તો એક પળ પણ લાખેણી જાય છે.”
પત્નીની વાત સાંભળી. વીરસેન તો જાણે મારી સતી સ્ત્રી બિચારી બધું કહે તે સાચું જ માની બેઠો. રૂપાળીને વશ બનેલો વીરસેન પત્ની ઉપર ગાંડોતુર બની ગયો. થોડા દિન વહી ગયા. રૂપાળીને તો પતિ કાંકરાની જેમ ખૂંચતો હતો.
હવે વીરસેન પત્નીને કહે છે કે હવે ચાલો આપણા ઘરે. ત્યાં તમારી રાહ જુએ છે. પત્ની બોલી - હે નાથ ! હવે જલ્દી જવાનું મન છે. વહેલું મુહૂર્ત કઢાવો. મને તો ઘણું સારું થઈ ગયું છે. પિયરમાં રહીને હવે તો કંટાળી ગઈ છું. સાસરી જોવાના બહુ કોડ છે. સાસુ-સસરાને પગે પડવાની હોંશ છે. તો હવે મુહૂર્ત જોવડાવો.
પત્નીના કહેવાથી વીરસેને દિવસ જોવડાવ્યો. દિવસ નજીક જ આવી ગયો. જવાની તડામાર તૈયારીઓ થવા લાગી. રૂપાળીને હવે ચિંતા છે. પોતાના જારને સાથે લેવો છે. અવસર મળતાં જ રૂપાળીએ વીરસેનને કહ્યું - સ્વામી મારી એક વાત સાંભળો. ભોળો વરસેન પત્નીની બધી જ વાત સાચી માનતો હતો. તેથી પત્નીની વાત સાંભળી બોલ્યો - હે પ્રિયે ! શી વાત છે?
રૂપાળી - સ્વામી! અમારા ઘરે ડાહ્યો અને સર્જન એક ગોવિંદ નામે ગોવાળિયો રહે છે. મારા પિતા પાસે આપ આ ગોવાળની માંગણી કરી લેજો. માર્ગે જતાં આ ગોવિંદ ઘણો કામમાં આવશે. વળી બધા જ કામમાં ઘણો હોંશિયાર છે. વળી ભકિતવાન તથા વિશ્વાસુ છે. વળી તે, આપણા જવાના માર્ગનો બરોબર ભોમિયો છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४२८