________________
વળી કુમારે દૂર ઊભેલી બાળાઓ સામે જોઈ, આંગળી ચીંધીને પૂછ્યું - હે સંન્યાસીઓ ! આ લઘુ બાળાઓ શા માટે લાવ્યા છો? તેમના માથે મુંડન અને ચંદન લેપ આ બધું શું કર્યું છે? આ બિચારી ભોળી બાળાઓને શા માટે રડાવો છો? મને તો આ તમારા યોગમાં અને તમારા કાર્યમાં કંઈક ભેદ દેખાય છે. જે હોય તે સાચું કહી દો.
ચંદ્રકુમારની વાત સાંભળી યોગીઓ વિચારવા લાગ્યા. આઠેય યોગીઓ તો આ કુમારની વાતથી ઠરી ગયા. કોઈ કંઈ જ ન બોલ્યું. તેમાં જે વૃધ્ધ અને અગ્રેસર યોગી તો વિચારવા લાગ્યો કે આ નરપુંગવ તો મહાભાગ્યશાળી અને બત્રીસ લક્ષણોથી યુક્ત છે. વળી આ જુવાનને સારી મીઠી વાત કરી ભોળવીને અગ્નિકુંડમાં નાખી દેવો. હોમીને સુવર્ણ પુરુષ બનાવી દઉં. આ દુષ્ટ બુધ્ધિવાળો વૃધ્ધયોગી કુમારને કહેવા લાગ્યો. જ્યારે બીજા સાત યોગીઓ ત્યાંથી થોડા દૂર ચાલ્યા ગયા. એકાંત મળતાં વૃધ્ધયોગી કુમારને કહે છે - હે નરોત્તમ ! આપ કોઈ રાજવંશી લાગો છો. લલાટ જોતાં મહાપુણ્યશાળી અને મહાપરાક્રમી લાગો છો. તમારું મુખારવિંદ જોઈને આપના ઉપર મને સ્નેહ થયો છે. આપની ઉપર અમને પ્રીતિ જાગી છે. આવો ! આપે પૂછેલા પ્રશ્નનો જવાબ સાચો, અંતર ખોલીને કહું છું. તમારાથી અમારે કશું જ છુપાવવાનું નથી. બંને વડલા હેઠ બેઠા. દૂર રહ્યા સાતેય યોગીઓ જોયા કરતા હતા.
હે પરદેશી કુમાર ! અમારી પાસે આશ્ચર્યકારી અને દેવી શકિત ધરાવતી આઠ વસ્તુ છે. તે આઠ વસ્તુને સાધવાનો વિધિપાઠ પણ અમારી પાસે રહેલા પુસ્તકમાં છે. વિધિપાઠ મુજબ અમે ઘણા મંત્ર-તંત્ર આદિ વડે જાપ કર્યા. પરંતુ વિધિથી એક પણ વસ્તુ સિધ્ધ થઈ નથી. ફળદાયક થઈ નહિ. તેથી અમે મુંઝાયા. ઘણા ઉપાયો કર્યા પણ કંઈ લાભ ન થયો. એટલામાં એક કાપાલિક રસ્તે જતો હતો. તે અમને મળી ગયો. કાપાલિક જાણી અમે તેને આ વાત પૂછી. પુસ્તક-પોથીમાંથી વિધિ જોઈ એણે કહ્યું -રે યોગીઓ ! વિવેકપૂર્વક સાધના કરો. વિધિયુકત કરો. જરૂર સિધ્ધિ થશે. વળી કહ્યું કે “આઠ આઠ વર્ષની આઠ બાળાઓનો આઠ દિશામાં ભોગ ધરાવીને આઠેય બાળાઓનું હવન કરો તો આ આઠેય વસ્તુ સિધ્ધ થશે. સાથે તેનાં લખેલ પદનો જાપ પણ ચાલુ રાખવા.
આઠ વસ્તુની સિધ્ધિ કરતાં પહેલાં કાપાલિકે તેના ભાગની માંગણી કરી. મારો ભાગ પાડીને મને બતાવો પછી જ તમને વિધિ બતાવું. તેની વાત સાંભળી અમે સૌ મુંઝાયા. કાપાલિકના ભાગની વાત સ્વીકાર કરીએ તો આઠ વસ્તુ, આઠ યોગીની હતી. એક કાપાલિકને આપીએ તો અમે આઠ અને વસ્તુ રહે સાત. એક ભાગ કાપાલિક લઈ જાય તો સાતમાંથી અમારા આઠ ભાગ શી રીતે ? અમારામાંથી એકનો ભાગ તો બાકી રહે. પોતાનો ભાગ કોણ જવા દે? નસીબ થકી દેવી વસ્તુ સાંપડે, તો કોણ પોતાનો ભાગ છોડે? કોઈ ભાગ છોડવા તૈયાર નથી. કાપાલિક તો પોતાનો ભાગ જોઈને વિધિ બતાવવાનું કહે છે. માટે અમારો ઝઘડો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૯૮