________________
કુમારનો રણસંગ્રામ
-: ઢાળ-૧૦ :
ભાવાર્થ :
પછી તો યુધ્ધની નોબતો ગગડી. શંખનાદ ફૂંકાયા. સુભટો યુધ્ધના અલંકારો રૂપ શસ્ત્રો સજાવવા લાગ્યા. મુકુંટબધ્ધ રાજાઓ હર્ષથી જીતની વરમાળા ધારણ કરતાં હતાં. હાથીઓને સિંધુર લગાડતા હતાં. સુભટોએ કંકુ વર્ણના (લાલ વર્ણના) વસ્ત્રો ધારણ કર્યા હતા. બંનેના સૈન્યોના રણયોધ્ધાઓ યુધ્ધ કરવા માટે તડપી રહ્યા હતા.
મણિચૂડ રાજા પણ ગાંજ્યો જાય તેમ નહોતો. તે પણ ચાર અક્ષૌહિણી સૈન્ય સાથે રણસંગ્રામ કરવા આવી પહોંચ્યો. બંનેના સુભટોએ રણસંગ્રામના મધ્યભાગમાં આવી સ્થંભ ઊભા કરી દીધા. વળી રણભૂમિ પણ કચરો દૂર કરી સાફ કરી દીધી. શુધ્ધભૂમિ કરીને સૌ પોતપોતાનું સૈન્ય ભૂમિ ઉપર ગોઠવવા લાગ્યા.
- મણિચૂડ રાજાનો સેનાપતિ રણજીત સૈન્યને આદેશ આપવાનો હતો. જ્યારે કુમારના સૈન્યનો સેનાધિપતિ વિજયમલ નામે હતો. બંને સેનાપતિ સામસામા આવી ઊભા. લડાઈ કરવા માટે બંનેના સૈન્યમાં એકી સંગાથે તોપનો ધડાકો થયો. સેનાધિપતિનો હુકમ થતાં સુભટોએ રણસંગ્રામ ખેલવા માંડ્યો. જેમ વાદીમલ્લો નાચે તેમ ખેલવા લાગ્યા.
ભેદી મૃદંગના અવાજ સાથે, દશે દિશાઓ ગાજી ઊઠી. નોબતના નાદ, વાજીંત્રોના તુર સાથે, સૂર્ય ઉદય થયે ભયંકર રણસંગ્રામ મચ્યો. બંદીવાનો બિરુદાવલી બોલતા હતા. સુભટો તે સાંભળી ડોલતા હતા. હાથીઓ હાથી સાથે, ઘોડાઓ ઘોડા સાથે, રથો રથની સાથે, તલવારોવાળા તલવારવાળાની સાથે, ભાલાવાળા ભાલાવાળાની સાથે, બાણેશ્વરી બાણવાળા સાથે, એમ બંને સૈન્યો વચ્ચે ભયંકર ને લાંબા સમય સુધી યુધ્ધ ચાલ્યું.
સૈનિકો લડતાં લડતાં જો શસ્ત્રો ખૂટી જતાં તો પોતાના હાથનો દંડ કરીને પણ લડતા હતા. મુષ્ઠી યુધ્ધ, પગથી પગને મારીને યુધ્ધ, દાંતથી પણ યુધ્ધ, એકબીજાના વાળ ખેંચીને યુધ્ધ કરતા હતા. પર્વતની શિખર સરખી ગદા, હાથીને મારતાં બિચારા પડી જતાં હતાં. વળી કોઈ કોઈ સુભટ તો ઘોડાઓને પગથી પકડી ગગનમાં ઉછાળતા હતા. રણભૂમિ ઉપર કેટલાયે સુભટો હણાયા. કેટલાયે મૂછ પામ્યા. તે વેળાએ આકાશ થકી ગીધડા આવી ઉજાણી કરતા હતા. લોહીથી ખરડાએલી ભૂમિ પણ કાદવવાળી થઈ ચૂકી હતી. મૂર્શિત થયેલા સુભટોને મૂછ વળતી ત્યારે વળી પાછા સફાળા ઊભા થઈ યુધ્ધ કરતાં હતાં. પોતાના રથમાંથી લડવૈયો લડતાં પડી જાય તો તે ઘોડો, પોતાનો રથ લઈને રણસંગ્રામમાંથી પલાયન થઈ જતો. વળી ઘણા લડવૈયાના મૃતદેહો જોઈને વ્યંતર-નિકાયના દેવો, ભૂત, પ્રેત આદિ સૌ ગગનમંડળમાં નાચતા હતા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
પn૮