________________
હવે ગોવિંદજી તાપસ પણ સમય થતાં વૃધ્ધ થવા લાગ્યા. પોતાની પાટે સોવનજટી યોગ્ય જાણી ગુરુગોવિંદજીએ પલંક વિદ્યા આદિ ઘણી વિદ્યાઓ શીખવાડી. પોતાની ગાદીએ સોવનજીને બેસાડ્યો. ગુરુગોવિંદજટી આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા.
ગુરુનું સ્વર્ગગમન થતાં સોવનજી આદિ તાપસો દુઃખી થયા. દિવસો જતાં શોક દૂર કરી સોવનજીએ આશ્રમના તથા તાપસ કુમારો વગેરેના કામ સંભાળી લીધાં. તાપસ બાળા કનકવતી યૌવનવય પામતાં કુલપતિ તાપસપિતા યોગ્ય વરની તપાસ કરવા લાગ્યા.
પલંક વિદ્યા થકી પલંક પર બેસી કુલપતિ અડસઠ તીર્થની યાત્રા કરવા લાગ્યા. જુદાં જુદાં તીર્થે જઈ વંદન કરતાં, ભકિત કરતાં. તીર્થથી પાછા ફરતાં વચમાં આવતાં નગરો - ગામોમાં કનકવતી યોગ્ય એવા રાજકુમારને જોતા ફરતા હતા. પિતાને પુત્રીની ચિંતા વધારે હતી. એકદા કુલપતિ કોઈ નગર થકી રાજકુમારને જોઈને આવતા હતા. ડુકકર બનીને અને તે પણ પલંક ઉપર બેસીને આવતાં તાપસકુમારોએ જોયાં. ગુરુને બદલે પલંક ઉપર ડુક્કર જોઈ સૌ ભય પામતાં તાપસો દશે દિશાઓમાં નાસી ગયા. સુવર રૂપ ગુરુદેવે આશ્રમની બહાર જમીન ઉપર પોતાના નખથી કંઈક લખવા લાગ્યા. દૂર રહેલા તાપસોને સુવરની ચેષ્ટા જોતાં લાગ્યું કે સુવર કંઈક કહેવા માંગે છે. સુવરે જમીન ઉપર પોતાની વાત લખી હતી. “હે તાપસો ! યાત્રા કરીને પાછો આવતો હતો. રસ્તામાં કોઈ દેવની આશાતના મારાથી થઈ. તેથી તે દેવે મને તરત શ્રાપ આપ્યો. મને સુવર બનાવી દીધો. મારો અતિશય કલ્પાંત જોઈને, દેવે મને આશ્વાસન આપતાં કહ્યું કે, કોઈક મહાપુણ્યશાળી ધર્મતત્ત્વનો જાણકાર આવશે. તે તને સુવરમાંથી મનુષ્ય બનાવશે. હું સુવર નથી. હું તમારો ગુરુ સોવનજી છું.” આટલું લખીને દૂર જઈને બેઠા.
તાપસી પણ ધીમે ધીમે ડરતા ડરતા સુવરે લખેલી ભૂમિ પાસે આવ્યાં. જમીન ઉપર લખેલી વાત વાંચીને ઘણા દુઃખી થયા. સૌ વિચારવા લાગ્યા. રે! અમારા ગુરુદેવની આ દશા? અમે સૌ અમારા ગુરુદેવને આશ્રમમાં લઈ આવ્યા. હવે તો પૂર્ણ વિશ્વાસ છે કે સુવર અમારું કંઈજ બગાડવાના નથી. તેથી પાટ ઉપર બેસાડીને અમે ભકિત કરીએ છીએ. સુવરમાંથી મનુષ્ય, તિર્યંચમાંથી માણસ બનાવવા અમે પાછી પાની કરી નથી. માંત્રિક, તાંત્રિક બુધ્ધ સૌખ્ય વગેરે અનેક પ્રકારના ઉપાયો કરી ચૂક્યા. ફળ કંઈજ ન મળ્યું.
છેવટે અમે સૌ એક વૃધ્ધ મહાજ્ઞાની કુલગુરુ તાપસ પાસે બ્રહ્મવનમાં જઈ પહોંચ્યા. તેઓ વિર્ભાગજ્ઞાન પામ્યા હતા. અમારા ગુરુની વાત કહી અને તે માટેનો ઉપાય પૂછવા લાગ્યા.
તેઓએ પોતાના જ્ઞાનના ઉપયોગ જોઈને કહ્યું કે, હે તાપસો ! આજથી આઠમે દિવસે, તાત્વિક મહાપુણ્યશાળી પરદેશી તમારે આશ્રમે આવશે. તે સત્વશીલ નરોત્તમ જ તમારા ગુરુના રૂપને ફેરવશે. સુવરપણાને દૂર કરી વળી મનુષ્ય બનાવશે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૭૧