________________
કુમાર - હે મુનિઓ ! આ જગતમાં જૈન ધર્મ જયવંતો રહેલો છે. તમારા કુળપતિ સાથે તમે પણ સઘળા તાપસો જૈનમતનો સ્વીકાર કરો. જૈન ધર્મની આરાધના કરી. આત્મ કલ્યાણ કરવાના હો તો.
સૌ તાપસો એક જ નાદે બોલી ઉઠ્યા. અમે તો આપ કહેશો તે પ્રમાણે કરશું.
ત્યારબાદ કુમારે જોઈતી સામગ્રી મંગાવી. અને મોટા આડંબર પૂર્વક બહુ પ્રકારે વિધિવિધાન કર્યા. મંત્રોચ્ચાર સાથે સોમરસ આદિ અગ્નિમાં નાખતો હતો. ક્ષેત્રપાલને બલિબાકળા આપ્યા. સાથે ક્ષેત્રપાળ યક્ષરાજે આપેલી ચાર મહાઔષધિમાંથી છેલ્લી ઔષધિ લઈને સુવરકુલપતિને સુંઘાડી. ઔષધિ સુંઘતાંની સાથે જ સુવર પોતાનું અસલ રૂપ (સોવનજટી) ધારણ કર્યું. પોતાના ગુરુને જોતાં જ સઘળો પરિવાર આનંદ પામ્યો. સૌ પોતાના ગુરુને ચરણે જઈ નમ્યા.
કુળપતિએ કુમારને નમસ્કાર કર્યા. વળી કહે છે કે હે પરોપકારી ! આપની પરોપકારતાને લાખ લાખ વંદન કરું છું. આપે મારી ઉપર મહાન ઉપકાર કર્યો છે. ચિંતામણીરત્ન સરખો મનુષ્ય અવતાર આપ્યો. તિર્યંચમાંથી મનુષ્ય બન્યો. આપની કૃતજ્ઞતાનો કોઈ પાર નથી.
કુમારે પૂછયું - હે કુલપતિ ! આપ સુવરપણુ શી રીતે પામ્યા?
કુળપતિ - હે મહારથી સજ્જનકુમાર ! હું મારી વિદ્યા વડે પલંગ પર બેસી ગગનમાર્ગે જઈ રહ્યો હતો. ત્યાં પર્વતના શિખર ઉપરથી પસાર થતાં જ હું પલંગ સહિત પૃથ્વીતળે આવી પડ્યો.
આ પર્વત ઉપર એક જૈનમુનિ મહાત્મા ધ્યાનમાં હતા. ધ્યાનના બળ થકી આ ગિરિવરનો અધિષ્ઠાયક દેવગુરુની સેવા તથા રક્ષા કરતો હતો. મને મુનિના માથા ઉપરથી જતો જોઈ પળવારમાં નીચે પછાડ્યો. મને કહે કે, મારા ગુરુના માથા ઉપરથી થઈને જાય છે. તેના ફળ ચાખ. કહીને મને તરત શ્રાપ આપ્યો. સુવર બની જા.
હું તરત સુવર બની ગયો. સુવરની જાતમાં મને હું જોતાં જ ખૂબ રડવા લાગ્યો. રડતાં જોઈ કંઈક દયા આવતાં મને કહ્યું કે તારા આશ્રમમાં ધર્મને જાણનારો ધર્મ એવો મોટો રાજા આવશે, તે તારા રૂપને ફેરવી અસલી રૂપ ધારણ કરાવશે અને તે તારી કન્યાનો ભરતાર થશે.
દેવના વચનોએ મને શાંત કર્યો. પલંગ પર બેસી સુવર બનેલો હું મારા આશ્રમે આવ્યો. પછીની મારી વિતક કથા આપ જાણો છો. તો તે દેવના કહ્યા થકી હું હવે મારી કન્યા તમને સોંપુ છું. આપ મારી કન્યાનું પાણીગ્રહણ કરો. અને વળી જૈનધર્મનો ઉપદેશ આપો. જેથી અમે જૈનધર્મને સ્વીકારી કૃતકૃત્ય થઈએ.
કુળપતિની વાત સાંભળી કુમારે સઘળા તા.સોને જૈનધર્મ સમજાવ્યો. તેમાં દેશવિરતિ ધર્મ અને સર્વવિરતિ ધર્મ બંને પ્રકારે સમજાવતાં સૌ તાપસો પ્રતિબોધ પામ્યાં. તાપસ ધર્મ છંડી સૌએ જિનમતને માનતાં દેશવિરતિ ધર્મને સ્વીકાર્યો. વળી પોતાની જટા-મૂછ વગેરે દૂર કર્યા. અભક્ષ્ય આહારાદિનો પણ ત્યાગ કર્યો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४७४