________________
વિરસેનને જવાનો અવસર આવી ઊભો. દીકરી-જમાઈને વિદાય આપવા માતાપિતા, ભાઈબેન,વગેરે સગા સંબંધીનો મેળાવડો થયો. જમાઈને જવાના અવસરે સસરાદિક પરિવારે ઘણો સત્કાર કર્યો. આપવામાં કમી કંઈ ન કરી. ઘણા વસ્ત્રાભરણો, હાથી, ઘોડા આપ્યાં. સેવા કરવા માટે દાસીવર્ગ પણ સાથે આપ્યો.
આ અવસરે વીરસેને સસરા પાસે માંગણી કરી. અમારે એક વિશ્વાસુ સેવક રાખવો છે. આપની પાસે ગોવિંદ નામે ગોવાળિયો છે. તે વિશ્વાસ અને વિવેકી છે. તે ગોવાળિયાને સાથે મોકલો. અને રસ્તાનો ભોમિયો છે જે અમને વાટમાં ઘણો જ કામમાં આવે.
જમાઈની વાત સાંભળી, તરત જયમતિ પ્રધાને ગોવિંદને શીઘ બોલાવ્યો. જમાઈને સોંપી દીધો. ગોવિંદ તો જવાની તૈયારી કરીને જ આવ્યો હતો. જયમતિ સેવકને ભલામણ કરે છે. રે ગોવાળ ! આજથી આ વિરસેન તારા સ્વામી છે. તેમની સેવામાં તારે રહેવાનું. તેમની ગમે તેવી કોઈ પણ આજ્ઞા ઉથાપવાની નથી. મને હવે ભૂલી જજે.
વાત સાંભળી ગોવિંદ મનમાં ઘણું જ હરખાયો. પોતાના સ્વામીને કહે - “હે સાહિબા! આપનું વચન મારે તો પ્રમાણ છે.”
રૂપાળી હવે હવેલીથી નીકળી રસ્તે મૂકેલા રથ પાસે આવે છે. સગાં-સંબધી પણ સૌ ત્યાં વિદાય આપવા આવ્યા છે. ચાલતી દીકરીને માતા-પિતા છેલ્લે વસ્ત્રાદિક સહ અલંકારો પણ ઘણા આપીને વળી હિતશિક્ષાની પેટી ભરી આપે છે.
બેન ! રૂપાળી! પતિવ્રતા વ્રત પાળજો. સ્વામીને દેવ સમાન ગણજે. સાસુ-સસરાની સેવા સારી રીતે કરજે. નણંદી, દિયેરને બહુમાન આપજે. સાસરી પરિવારના સભ્યોને જમાડી, પછી તું જમજે. શોક્યને બેન
માનજે.
આ પ્રમાણે વર્તીને અમારા કુળને અજવાળજે. લજ્જા એ તો સ્ત્રીનો ગુણ છે. લજ્જાને ધારણ કરજે.
પુત્રી વ્યભિચારિણી હોવા છતાં ને જાણતાં છતાં પણ માતાપિતાએ હિતશિક્ષા આપી. અષાઢી મેઘ. ચારે કોર વરસે. તે ઠામ-કુઠામ જોતો નથી. નથી કે હું અહીં વરસું ને અહીં ન વરસું. સ્વભાવગત બધે જ વરસે. તે જ પ્રમાણે સંતાનને અસર થાય કે ન થાય. પણ મેઘ સમા માતાપિતા હિતશિક્ષારૂપ વરસે છે. બે હાથ જોડી દીકરી માથું નમાવી સાંભળી રહી છે. જે સ્ત્રી જગતને છેતરતી હોય તે સ્ત્રીને વળી માતપિતા શા હિસાબના?
માતપિતાને ભેટી લઈને, વળી બીજા પણ કુટુંબના પરિવારનાં છેલ્લાં છેલ્લાં મીલમાં કર્યા. રૂપાળી અને વીરસેન રસાલા સાથે વિદાય લઈ, રસ્તે ચાલ્યા. રૂપાળી વીરસેન રથમાં ગોઠવાયાં. રથને ચલાવવા માટે ગોવિંદ બેઠો. સ્વામીની આજ્ઞા થતાં ગોવિંદ રથ હંકાર્યો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४२७