________________
વિકટ પ્રશ્નો
-: ઢાળ-ર :
ભાવાર્થ
મુનિભગવંતના મુખેથી, મનમાનીતી પટ્ટરાણી શૃંગારસુંદરીની ચરિત્રલીલા સાંભળી જયરથ વૈરાગી થયો. પોતાની બંને રાજકન્યાનો ભરથાર કુમાર ચંદ્રશેખર થશે. તે જાણી કુમારને લઈને પોતાની નગરી તરફ જવા તૈયાર થયો. કુમારે પણ પોતાના પરિવારને વિદાય આપી. સૈન્ય સાથે જયરથ રાજા કુમારને લઈને પોતાના નગર તરફ ચાલ્યો. કુમાર અને જયરથ રથમાં સુખાસન પર બેઠા. વનવગડાના સૌંદર્યને જોતાં જયપુર નગરે આવી પહોંચ્યા. સામૈયા સાથે કુમારનો નગર પ્રવેશ થયો.
હે પ્રાણી ! આ જગતમાં પુણ્યશાળી આત્માઓ જયવંતા વર્તે છે કે જે પુણ્ય થકી પુણ્યાત્માઓ સુખના મહાફળ ભોગવે છે. રસાલાથી યુક્ત જયરથ રાજા સાથે લઈ આવેલા પરોણા ચંદ્રકુમારની પરોણાગતમાં કશી ખામી રાખી નથી. સુંદર એવી સાતમાળની હવેલીએ ઊતારો આપ્યો. સેવામાં દાસ-દાસી વર્ગ મૂકાઈ ગયો. રાજા મંત્રીશ્વર-નગરશેઠ આદિ રાજપરિવાર કુમારના મહેલે અવારનવાર આવે છે.
એકદા રાજસભામાં રાજા મંત્રીશ્વર, શેઠ, સેનાપતિ, પ્રમુખ આદિ રાજપરિવાર તથા સ્વજનાદિક પરિવાર ભેગા થયા છે. રાજા પણ પોતાની પટ્ટરાણી સાથે રાજસભામાં બેઠા છે. કોઈ એક નાટકમંડળી રાજસભામાં આવી. રાજા આગળ અવનવા વેશ ભજવતાં જુદાં જુદાં પ્રકારના નાટકો ભજવે છે. મહેફીલ બરાબર જામી છે. આનંદની લ્હાણી વહી રહી હતી.
તે અવસરે સોળ શણગાર સજી, રાજાની બંને રાજકુમારીઓ રતિ અને પ્રીતિ પોતાના મહેલમાંથી નીકળી, સખીઓ સાથે રાજસભામાં પિતા પાસે આવી ઊભી. દાસીએ આસન આપ્યું. ઉચિત સ્થાને રજા માંગી બંને કુમારીઓ બેઠી. રાજસભાના મંડપમાં નાટક ચાલી રહ્યું છે. આમંત્રણ અપાયાં હતાં તે વિદ્વાનો, શાસ્ત્રોમાં વિશારદ પંડિતો પણ આવ્યા. દૂર દૂરથી પાંચાલ દેશના પાંચ, તૈલંગ દેશના તેર મહાપંડિતો પણ આવ્યા હતા. આખીયે સભા ઠઠ ભરાઈ ગઈ હતી.
રાજાની આજ્ઞા લઈ રાજકુંવરીએ સભાને ઉદ્દેશીને પ્રશ્ન પૂછયો. તે સાંભળી સભામાંથી કોઈએ જવાબ ન આપ્યો. વળી બીજા પણ સવાલો પૂછ્યાં. જવાબ કોઈએ ન આપ્યો. સહુ સાંભળી વિમાસણમાં પડ્યા. સભામાં સન્નાટો છવાયો. એક બીજાનું મો જોવા લાગ્યા. અંદરોદર ગુસપુસ કરવા લાગ્યા. પણ કોઈ કુંવરી સામે જવાબ આપવા હિંમત કરતું નથી. કારણકે મનમાં શંકા છે મારો જવાબ સાચો હશે કે ખોટો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૫૮