________________
લાકડાના પાટિયા પર દરરોજ જતાં પાટિયું પણ જર્જરિત થઈ ગયું હતું. ઘરના મુખ્ય નોકરે પણ આ જોયું. તે પાટિયાને જોઈ વિચારવા લાગ્યો. આ લાકડાનું પાટિયુ આટલુ જર્જરિત કેમ થયું છે ? વિચારવા લાગ્યો. કાષ્ઠનું પાટિયું એક તરફથી ભાંગી પણ ગયું હતું. તે નોકર રાત્રિએ હવેલીના દરવાજે સૂતો સૂતો જોયા કરે છે. વિચાર પણ કર્યા કરે છે. સૂતો પણ જાગતો રહ્યો. કંઈક ભેદ લાગે છે. તે જોવા માટે થોભ્યો.
તે જ વખતે તે જ રાત્રિએ પેલી ચારેય વહુઓ પોતાના સ્વામી જ્યારે ભરનિંદરમાં પોઢી રહ્યા હતા. ત્યારે ભેગી થઈને બહાર આવી. નોકરે આ વહુવરોને જોઈ. પાટિયા પર બેસીને હવેલીના ચોકમાંથી જ તે સહુ આકાશમાં પાટિયા સાથે ઊડીને આગળ ચાલવા લાગી. આ બધું જ મોટા નોકરે જોયું. વહેલી સવારે વળી ચારેય વહુઓ પાછી પોતાના સ્થાનમાં આવી ગઈ. નોકરે બધું જ જોઈ લીધું. બીજે દિવસે તે નોકર રાત્રિમાં પાટિયાના મોટા પોલાણમાં છાનો માનો જઈને સંતાઈ ગયો. ચારેય વહુઓ સાથે સમય થતાં પાટિયું ગગનમાર્ગે ચાલવા લાગ્યું, ને પાટિયાના આસન ઉપર તે નોકર સુર્વણદ્વીપ જઈ ઊતર્યો. આ દ્વીપ પર વહુવરો ફરવા લાગી. શેષ રાત્રિએ વળી કાષ્ઠાસન થકી હવેલીએ આવી જતી. સુવર્ણદ્વીપ ઉપર ફરી રહેલી ચારેય વહુઓ રમતી હતી. પાછળથી કાષ્ઠની કોટડીમાંથી તે નોકર નીકળી ગયો. વળી બહાર નીકળી, સુવર્ણદ્વીપ જોયો. જોતાં જ હરખાયો. સુવર્ણદ્વીપ એટલે સોનાનો દ્વીપ. દ્વીપ ઉપર પગ મૂકતાં આશ્ચર્ય પામ્યો. સૌ રમી પાછા પોતાને આવાસે વળ્યાં. નોકર પણ પાછો ફર્યો. ને સોનાની બે ઇંટ સાથે લઈ લીધી. કોટરમાં જઈ ભરાઈ ગયો. હવે કાષ્ઠાસનને વિદ્યામંત્ર વડે ચારેય સ્ત્રીઓએ સડસડાટ ચલાવ્યું. પોતાના આવાસે કાષ્ઠાસન પાટિયું ધીમેથી ઊતારી દીધું. સૌ પોતાના સ્થાને ચાલ્યા ગયા. શેઠનો નોકર બે ઇંટ લઈ, ધીમેથી છેલ્લો નીકળ્યો. ધીરેથી ઘરમાંથી નીકળી પોતાના ઘેર ચાલ્યો ગયો. બે ઇંટ મળતાં જ નોકર રાત્રે નિરાંતે ઊંઘી ગયો.
કહેવાય છે કે નિર્ધનને કયારેક પણ થોડું ધન મળે તો જાણે કુબેરવત્ સાક્ષાત્ પોતે ધનવાન ન થયો હોય એવો ગર્વ ધરાવે છે. વળી દુનિયાને પોતે ઘાસ અને માટી સમાન સમજે છે. સારાસરનો વિવેક ચૂકે જ. શેઠનો નોકર હોવા છતાં શેઠની આજ્ઞાને હવે માનતો નથી. એવો નોકર અવિવેકી ગર્વેભર્યો, કામવાસનાએ પ્રેર્યો. શેઠ સામે બોલવામાં પણ ભાષામાં અવિવેક આવી ગયો. ઉધ્ધતપણે જવાબ આપવા લાગ્યો. કામવાસનાથી પ્રેરાયેલો ઉધ્ધત થઈ શેઠની વાત સાંભળતો નથી.
પોતાનો વફાદાર નોકરને આવા પ્રકારે બદલાતો જોઈ શેઠ વિચારવા લાગ્યો. આ મારા દાસની પાસે કયાંક થકી ધન આવ્યું છે ? અથવા મેળવ્યું છે ? નહિ તો આવો ઉજળો ફક્કડ થઈને ફરે નહિ. દ્રવ્યની છાકમાં મદિરાની જેમ છક્કાઈ ગયો છે. મને જવાબ પણ હવે સીધા આપતો નથી. ધનની ગરમીથી વિચલિત મનવાળો થઈને ફર્યા કરે છે. પણ હવે તેને મીઠાં વચનોથી, પ્રેમથી વશ કરીને તેના ભેદને જાણવું જરૂરી છે. અવસર મળતાં જ શેઠે પૂછ્યું - વત્સ ! મારી વાત સાંભળ. મારી ગાય ભેંસને જંગલમાં ચરાવવા કેમ લઈ જતો નથી ?
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૩૮૬